ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ આપવાનું
કામ કરતી દક્ષિણ ભારતની એક સંસ્થાની વાત છે. આ સંસ્થા પ્રતિવર્ષ સેંકડો ગરીબ
બાળકોને અભ્યાસ કરાવે છે. સંસ્થાના ટ્રસ્ટી સુધાજીની સાથે કોલેજમાં
અભ્યાસ કરતા એક મિત્રની દફતર બનાવવાની મોટી કંપની છે. આ
કંપની તેના નાની-મોટી ખામીવાળા રીજેક્ટેડ દફતર સુધાજીના ટ્રસ્ટને
વિના મૂલ્યે દાનમાં આપે. આ પ્રથા દસેક વર્ષથી ચાલે. દફતર
બનાવતી કંપનીના મિત્રએ નિવૃત્તિ લીધી અને તેના સ્થાને એના યુવાન પુત્રએ પિતાનો
કારોબાર હાથમાં લીધો. દર વર્ષની જેમ માર્ચ-એપ્રિલ
મહિનામાં ચેરીટી ટ્રસ્ટના માણસો રીજેકટેડ દફતર લેવા આવ્યા. કંપનીના
સ્ટાફને ખબર હતી એટલે રીજેકટેડ દફતરથી ટ્રક ભરી દેવામાં આવી. યુવાન
મેનેજરે તેની કેબિનમાંથી આ દ્રશ્ય જોયું
એ ધુંઆપુઆં થતો ચેમ્બર બહાર આવ્યો. ‘ટ્રકમાં આ દફતર કોને પૂછીને ભર્યા ?
કેમ આવી રીતે કંપનીનો માલ લઈ જવાય છે ?’ વગેરે પ્રશ્નોની ઝડી વરસાવા લાગ્યો. ટ્રસ્ટના
માણસોએ વિગતે વાત કરી.
‘દસ વર્ષથી આ રીતે દફતર દાનમાં લઈ
જવામાં આવે છે. સુધાજી અને તમારા પિતાજી સાથે આ સંદર્ભમાં
વિગતે ચર્ચા થઈ છે. દર વર્ષે ટ્રસ્ટ આપની કંપનીને ઈ-મેઈલ કરીને દફતર લેવા આવે છે.’ યુવાન આ કોઈ વાત સાંભળવા જ તૈયાર ન હતો. અંતે સુધાજીએ આવીને સમગ્ર વાતની વિગતવાર સમજ આપી ત્યારે માંડ વાત
થાળે પડી. આ આખી ઘટના જાણીતા લેખક, વિચારક
અને સમાજ સેવિકા સુધા મૂર્તિએ એમની અનુભવ કથામાં વર્ણવી
છે.
આ નાનકડી વાતનો નિર્દેશ શ્રવણ કૌશલ્ય
તરફ અંગુલીનિર્દેશ કરે છે. જેમ સંગીત, ચિત્ર, ઈજનેરી, તબીબી, સ્પોર્ટસ જેવી કલા છે એમ સાંભળવાની પણ
એક કલા છે. માણસની સૌથી મોટી તકલીફ એ છે કે, એ કોઈને પણ સાંભળ્યા પહેલાં પોતાની વાત કરવા માટે ઉતાવળો બની જાય છે. એક સારો શ્રોતા મોટા ભાગના પ્રશ્નો ઊભા થતાં પહેલાં જ સોલ્વ કરી
નાખતો હોય છે.
જે. કૃષ્ણમૂર્તિજી
કહે છે કે, હંમેશા સ્વાભાવિક રીતે જ સાંભળવાની આદત કેળવવી
જોઈએ. જ્યારે મન કોઈ પણ વિચાર પાછળ દોડ ન લગાવતું હોય
અને બિલકુલ શાંત હોય. ચિત્તમાં કોઈપણ સળવળાટ સુદ્ધા ન હોય ત્યારે
આવી સ્થિતિમાં દુરનુ અને નજીકનું તમામ સ્પષ્ટ સાંભળી શકવાની ક્ષમતા વધુ હોય છે. જ્યારે સ્વાભાવિકપણે શાંત ચિત્તે શ્રવણ થતું હોય છે ત્યારે માનવીની અંદર
અસાધારણ પરિવર્તનનો અનુભવ થતો હોય છે. આ પરિવર્તન કોઈપણ ધારણા કે નિર્ણય વગર
હોય છે. આ સ્થિતીમાં જેની કલ્પના પણ ન કરી હોય એવું
અદભુત પરિવર્તન પ્રાપ્ત થયા વગર નથી રહેતું. આ શ્રવણ પરમ સૌંદર્યવાન હોય છે.
સમાન્ય રીતે વ્યક્તિ તેને અનુકૂળ પડે
એવી કલ્પના મહત્વાકાંક્ષા, ઈચ્છા, અકળામણ, ચિંતાના સંદર્ભમાં જ સાંભળતો હોય છે. જે
સંતોષ આપે અથવા પોતાને ઠીક લાગે કે સગવડ ભરેલું લાગે એવું જ સાંભળવા આપણે ટેવાયેલા
હોઇએ છીએ. દુઃખમાં રાહત આપે એવું કે પછી પોતાનો અહમ
સંતોષાય એવું જ સાંભળવાની આદત વ્યક્તિને હોય છે. જે
માન્યતાઓના આવરણો સાથે આપણે સાંભળીએ છીએ એ આવરણો હડસેલીને સાંભળવામાં આવે ત્યારે
ખરેખર સંભળાય છે.
ધ્યાનપૂર્વક સાંભળવાની એક એવી કળા છે. જે સરળતાથી મળતી નથી. તેમાં અપ્રતિમ સૌંદર્ય અને સમજણની ધાર
હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ તેના અસ્તિત્વના જુદા
જુદા પાસાઓની આસપાસ વિંટળાયેલા ખ્યાલોના પરિપ્રેક્ષ્યમાં જ સાંભળતો હોય છે. ખરેખર તો મહદંશે લોકોનું સાંભળવાનું પૂર્વાગ્રહપિડીત અને વિશેષ
દ્રષ્ટિકોણવાળું જ હોય છે. આપણે સહજતાથી સાંભળતા શીખ્યા જ નથી. સાંભળતી વખતે આપણા વિચારો, તર્કો, નિષ્કર્ષો
અને પક્ષપાતો સતત હાવી થતા રહેતા હોય છે.
શબ્દો સંદેશાની આપ લે કરવાનું માધ્યમ છે. આ માધ્યમ જ્યારે ગૂંચવે ત્યારે વાંક બાહ્ય શબ્દો કરતા આંતરિક
ધારણાઓનો વધુ હોય છે. વ્યક્તિ હંમેશા સર્વોપરી બનવા કે વિજેતા થવા
પાછળ પાગલ હોય છે. પરિણામે શબ્દોનું સત્ય સંભળાતુ નથી. જ્યારે શબ્દોનું સત્ય સંભળાય ત્યારે શ્રવણ માત્ર સ્થૂળ અર્થમાં
સાંભળવા કરતા ક્યાંય આગળ એક સંગીત બની મનમાં ઉત્સાહના ફુવારા ઉડાડે છે. આમ ન થાય ત્યારે શબ્દો માત્ર ઘોંઘાટ બનીને રહી જાય છે. ધ્યાનપૂર્વક સાંભળવું એ સ્વયં એક સંપૂર્ણ ક્રિયા છે. વ્યક્તિએ પ્રથમ તો એ વિચારવાનું રહે કે, એ
જે સાંભળે છે એનો ભીતરની અશાંત સ્થિતિમાં પરિવર્તનનો ઉદ્દેશ છે
કે એના સંદર્ભો અને વિરોધાભાસી વિચારોના સમાધાનના હેતુ છે.
સાંભળવાનું તો વળી કોઈ સાયન્સ હોય ?
ઇશ્વરે કાન આપ્યા છે તેમાં બધું ય સંભળાય જ ને ! ના
આવી ધારણામાં બિલકુલ ન ફસાવાય. સાંભળવાનું એક વિજ્ઞાન પણ છે અને કલા
પણ. પશ્ચિમના દેશોમાં તો લોકોને ‘આર્ટ ઓફ લીસનીંગ’માં ખૂબ રસ પેદા થયો છે. વિદેશોમાં સાંભળવાની કળા ઉપર રીતસરના સેશન્સ ધૂમ મચાવે છે. ભારત વર્ષમાં પૌરાણિક ગ્રંથોથી માંડીને આધુનિક ત્રણ
પ્રબુદ્ધો જે. કૃષ્ણમૂર્તિજી, ઓશો
અને અરવિંદ ઘોષે શ્રવણ કૌશલ્યને અદભુત રીતે ઉજાગર કર્યું છે. સાંભળવાની
વાત લાગે છે એટલી સાહજિક નથી. એના મહત્તમ લાભ માટે સૌ પ્રથમ માનસિક
રીતે તૈયાર થવાની જરૂર છે. ઘણા બધા લોકો પાસેથી ઘણું બધું શબ્દોના
માધ્યમથી બોલાય છે એને ક્યાં, કેવી રીતે, કયા
સંદર્ભમાં સંભળાય છે એ અગત્યનું છે.
કાન દિવા જેવા અને આંખ બેટરી જેવી છે. જેમ દિવો પ્રગટે અને ચારે બાજુ પ્રકાશ ફેલાય એમ કોઈપણ દિશામાંથી
આવેલો શબ્દ કાન સાંભળે જ છે. જ્યારે આંખો જે દિશામાં હોય એ દિશાનું
જ જોતી હોય છે. એટલે જ કહેવાય છે કે દર્શનશાસ્ત્ર એકાંગી હોય
છે અને શ્રવણશાસ્ત્ર બહુઅંગી હોય છે.
ધબકાર :
સાંભળવાની ક્રિયા સૌથી ચુંબકીય અને
સર્જનશીલ છતાં અણસમજમાં ચાલતી હોય છે.
https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/june2020/23062020-4.pdf







ખૂબ જ સુંદર સાંભળવા ની કિયા
ReplyDelete