પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 11 August 2020

શું તમે જાણો છો બાળકોની મુઠ્ઠીમાં વડીલોનું સ્ટ્રેસ રીલીઝ થઇ જતુ હોય છે !

 

રોજની જેમ સવારે મોર્નિંગ વોક માટે બે મિત્રો સોસાયટીના પાર્કમાં મળ્યા. ચાલતા ચાલતા એક મિત્રએ બીજાને કહ્યું યાર ગઇકાલ સાંજથી મારુ માથુ ખુબ દુઃખે છે. હજી રાહત નથી થઇ. બીજા મિત્રએ કહ્યું, મારી પાસે એક એક્યુપ્રેશરની સરસ પુસ્તિકા છે. એમાં શરીરના જુદા જુદા અંગોની વ્યાધી દુર કરવા માટે હથેળીમાં આવેલા પોઇન્ટસની વિગતવાર માહિતી છે. હું તને ઘરે જઇને અત્યારે એ આપીશ. એમાંથી આજે જ તું તારી તકલીફને લગતા પોઇન્ટ ઉપર કામ કરજે મને વિશ્વાસ છે કે, તને જરૂર રાહત થઇ જશે. પુસ્તીકામાં સૂચવ્યા મુજબ હથેળીના પોઇન્ટ દબાવતા પેલા મિત્રને માથાના દુઃખાવામાં ખાસ્સી રાહત થઇ ગઇ.




સામાન્ય રીતે હથેળી અને પગના તળીયાના પોઇન્ટને દબાવીને વ્યાધી દુર કરવાની એક્યુપ્રેશર ટેકનિકથી વિશ્વના મોટા ભાગના લોકોને જ્ઞાત છે. આની સાથો સાથ સંવેદનાસભર કોમળતાપૂર્વક આંગળીઓ દબાવવાની સ્પર્ષકળા જીન શીન જ્યુત્સુ નામની ચિકિત્સા પદ્ધતિ પણ જગતમાં ખુબ પ્રચલીત થઇ રહી છે. આ બન્ને ટેકનિકમાં હાથની હથેળીઓ મુખ્ય રોલ પ્લે કરે છે. હાથ એ ઇશ્વરે બનાવેલાં માનવ શરીર રચનાનો એન્જીનિયરીંગ કૌષલ્યની સૌથી જટીલ અને સુંદર કુદરતી કમાલનો નમુનો છે. હાથ ચીજ વસ્તુઓને પકડવા માટેનું શારીરિક ઓજાર જરૂર છે પરંતુ એથી પણ ક્યાંય વધુ માનવીના મન, મગજ, હૃદય સહીત તમામ અંગોના કંટ્રોલ પોઇન્ટ છે. પામેસ્ટ્રીના સમર્થકો હાથની હથેળીને વ્યક્તિના જીવનનો આયનો કહે છે.




જિન શિન જ્યુત્સુ પધ્ધતિની ઉત્પત્તિની કંઠોપકંઠ ચાલી આવતી એક પ્રચલિત કથા પણ છે. અત્યંત લોકપ્રિય અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતા જાપાનના હિરોહિટો સમ્રાટના સામ્રાજ્યના ધજા પતાકા લહેરાતા. સમ્રાટ હિરોહિરોને એક નાનો ભાઇ. સમ્રાટને એનો ભાઇ ખુબ પ્રિય. એકવાર એનો ભાઇ એક અસાધ્ય બિમારીમાં સપડાયો. સમ્રાટે પ્રસિધ્ધ વૈદ હકીમોને બોલાવ્યા. ખુબ ઉપચારો કરાવ્યા. પરંતુ નાના ભાઇની તબિયતમાં તસુભાર પણ સુધારો ન થયો. કંટાળીને આખરે મુરૈ નામના જિન શિન જ્યુત્સુ ટેકનિકના જાણકારને સમ્રાટે ભાઇની સાર સંભાળ લેવાની જવાબદારી સોંપી. મુરૈની જિન શિન જ્યુત્સુ ટેકનિકની અસર થવા લાગી. સમ્રાટનો ભાઇ ધીમે ધીમે સાજો થવા લાગ્યો. સમ્રાટ ખુબ રાજી થઇ ગયો.




સમ્રાટે મુરૈને પુરસ્કાર માગવા કહ્યું ત્યારે મુરૈએ નમ્રતાપૂર્વક કહ્યું, સમ્રાટ મારે બીજુ કશુ નથી જોઇતુ પણ રાજમહેલના પ્રાચિન ગ્રંથોની જ્યાં જાળવણી કરવામાં આવી છે તેમાં જિન શિન જ્યુત્સુ ટેકનિકની ઉત્પત્તિ, પધ્ધતિ અને ઉદારહણોના નોંધની જાળવણી કરવામાં આવે એવા આપ આદેશો આપો તો આગામી પેઢીઓને આ પધ્ધતિનો લાભ મળે. સમ્રાટ મુરૈની માંગણી સાથે સંમત થયા. રાજમહેલના સંગ્રહીત દસ્તાવેજોમાં જિન શિન જ્યુત્સુ ચિકિત્સા પધ્ધતિની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો.




જિન શિન જ્યુત્સુ સ્પર્શકલાના જનક જિરો મુરૈ 20મી સદીના કાળમાં અસાધ્ય બિમારીમાં પટકાયા હતા. યુવાનીમા મુરૈની ખાનપાન, રહેણી કરણી અત્યંત અસ્ત વ્યસ્ત હતી. અસાધ્ય બિમારીને કારણે તેના પરિવારજનોએ મુરૈને એક પર્વત ઉપર પરિવારની અસ્ક્યામતની એક કોટડીમાં એકલા રહેવા મોકલી દીધા. મુરૈને એકલતામાં શારીરિક ચેતના અને હથેળીના કોમળ સ્પર્શ અને સ્પંદનોની આધ્યાત્મિક ચેતનાના દર્શન થયા. મુરૈને તેની નાદુરસ્ત તબિયતમાં આંગળીઓના સ્પર્શની પદ્ધતિથી સાત દિવસમાં ચમત્કારિક સુધારો જણાયો. ત્યારે પછી એણે જિન શિન જ્યુત્સુ ટેકનિકને પોતાનું જીવન અર્પણ કરી દીધું.




એલીસ બર્સેઇસ્ટર અને ટોમ મોન્ટેએ જીન શિન જ્યુત્સુ ટેકનિક ઉપર ધ ટચ ઓફ હીલીંગ, એનજોયીંગ બોડી, માઇન્ડ અને સ્પિરીટ વીથ ધ આર્ટ ઓફ જિન શિન જ્યુત્સુ નામનું સુંદર પુસ્તક પ્રકાશીત કર્યું છે. પુસ્તકમાં લેખકોએ કહ્યુ છે કે, શરીરની ઉર્જા ચેનલ્સને યોગ્ય રીતે સમજવામાં આવે તો સ્ટ્રેસ, એંગર, ફીઅર, નેગેટીવનેસ, સેડેશન, નર્વસનેસ, ડિપ્રેશન જેવા તત્વો આસાનીથી દુર કરી શકાય છે. આ તમામ વ્યાધીઓના ઉપચાર વ્યક્તિની હથેળીમાં જ છે અને એ પણ બિલકુલ નિશુલ્ક, સરળ અને સહજ. વ્યક્તિની હથેળીની આંઠ આંગળીઓ, અને બે અંગુઠાઓમાં પાંચ પ્રકારની નકારાત્મકતા બ્લોક થઇ જતી હોય છે. જિન શિન જ્યુત્સુની કોમળ સ્પર્ષની ટેકનિક આ પાંચ નકારાત્મકતાઓને રીલીઝ કરવાનું કામ કરે છે.

સામાન્ય રીતે વ્યક્તિને કોઇ પારિવારિક સમશ્યાને કારણે કે પછી નોકરી, ધંધા કે વ્યયસાયના ઉતાર ચડાવને કારણે કે પછી આર્થિક બાબતોના કારણે ચિંતા થતી હોય છે. આ ચિંતાને કારણે સ્ટ્રેસનું લેવલ વધી જતું હોય છે. વ્યક્તિના હાથનો અંગુઠો સ્ટ્રેસ બ્લોકેજનું ક્ષેત્ર છે. ડાબા હાથના અંગુઠાને જમણા હાથની હથેલીમાં મુકી એને ફરતે મુઠ્ઠીમાં બે મિનિટ પકડી રાખવાથી સ્ટ્રેસ રીલીઝ થઇ જાય છે. યાદ રહે મુઠ્ઠીને જોરથી પકડી અંગુઠો ભીસવાનો નથી. કોમળતાથી મુઠ્ઠીમાં અંગુઠો પકડવાનો છે. વારાફરથી ડાબો અંગુઠો જમણા હાથની મુઠ્ઠીમાં અને જમણો અંગુઠો ડાબા હાથની મુઠ્ઠીમાં બેથી ત્રણ મિનિટ કપડવાનો છે. દિવસમાં ત્રણથી ચાર વાર આમ કરવાથી સ્ટ્રેસ દુર થઇ શકે છે એમ જિન શિન જ્યુત્સુ ટેકનિક કહે છે.

કોઇ અજાણ્યો ભય કે ખોફ સતાવતો હોય ત્યારે પહેલી આંગળીને બેથી ત્રણ મિનિટ પકડી રાખવાથી ફાયદો થાય છે. એ જ પ્રમાણે જ્યારે ગુસ્સો આવે ત્યારે વચ્ચેની એટલે બીજી આંગળી પકડી રાખવાથી ગુસ્સો ઓસરી જશે. ત્રીજી આંગળી એટલે કે રીંગ ફિંગર પકડી રાખવાથી સેડેશન અને દુઃખની લાગણી ઓછી થવા લાગે છે. ટચલી આંગળી, પીન્કી ફિંગર પકડી રાખવાથી નર્વસનેસ દુર થઇ જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે, નાના બાળકો બહાર નિકળે ત્યારે મમ્મી–પપ્પા કે દાદા–દાદીની આંગળી કોમળતાથી પકડી ચાલતા હોય છે. વડીલો વારા ફરથી આંગળીઓ બદલતા રહે છે. બાળકોની મુઠ્ઠીમાં મોટેરાઓના સ્ટ્રેસ, નર્વસનેસ, સેડેશન, એંગર અને નર્વસનેસના બ્લોકેજ જાણે અજાણે સહજતાથી ખુલી જતા હોય છે. વિશ્વના ઐતિહાસિક, અને સાંસ્કૃતિક દસ્તાવેજોમાં હેન્ડ્સ ઓફ હિલીંગ અને એનર્જી બેઝડ ઇન્ટરવેન્શનના પુરાવાઓ મળી આવ્યા છે. વર્ષ 1980માં નર્સિંગ ક્ષેત્રે વિવિધ ઉપચારોમાં આ ટેકનિકનો ખાસ્સો વિસ્તાર થતો જોવા મળ્યો. હથેળીમાં મન અને મગજના કંટ્રોલ પોઇન્ટ છે. આ પોઇન્ટનો સમજપૂર્વક ઉપયોગ નિઃસંદેહપણે ઉમદા પરિણામો આપે છે.

 

ધબકારઃ

હથેલીમાં સ્વાસ્થ્ય અને લાગણીઓનો મુશળદાર વરસાદ વરસે છે, એ ઝીલવા માટે યોગ્ય પાત્ર બનવુ પડે.


https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/august2020/11082020-4.pdf



 

 

2 comments: