પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 14 December 2020

હવે અનામિકાનો નવો મંત્ર હતો, ‘ભવિષ્ય ડરવા નહીં, ઘડવા માટે છે’


તમારી જીવનયાત્રા દરમિયાન પસાર થતા પ્રત્યેક વ્યક્તિ કંઈક શિખવીને જાય છે. કોઈ વ્યક્તિ દર્દનાક સબક શીખવાડી જાય તો કોઈ મજેદાર પાઠ ભણાવી જાય છે. પરંતુ બન્નેમાં ફાયદો તમારો જ છે કારણ કે, બન્ને પદાર્થપાઠ અત્યંત મૂલ્યવાન હોય છે. એક પછી એક બનતા પ્રસંગોના તાણાવાણાથી જીવનનું પોત ઘડાતું જાય છે. વ્યક્તિએ પ્રસંગના બાળક બનવા કરતા પ્રસંગના માલિક બનવાની કળા શીખી લેવી જોઈએ. પ્રત્યેક જીવન રસપ્રદ ફિલ્મ જેવું છે. એની શાનદાર પટકથા લખવાનું વ્યક્તિના પોતાના હાથમાં છે. પોતાની ફિલ્મ ફ્લોપ થાય એ કોને ગમે ? એને ફ્લોપ નથી થવા દેવાની એને તો સુપરહીટ બનાવવાનું જ લક્ષ્ય હોય. જાતે જ સીમા રેખાઓ આંકી દઈને જીવનના ઊંબરા બાંધી ન દેવાય. હદને ઓળંગીને ફોર્મેટ બહાર જીવનારાને ફેઈલ્યોરનો ભય ક્યારેય નથી સતાવતો.





પૃથ્વી ઉપર અવતરેલા બધા જ લોકોનુ મરવાનુ નક્કી હોય છે પણ વિડંબણા એ છે કે, હકીકતમાં બધા જીવતા નથી. એક કોલેજીયન યુવતી અનામિકાની વાત છે. એની એક બેસ્ટ ફ્રેન્ડ. એનું નામ પયશ્વિની. આ બન્ને બહેનપણીઓ વચ્ચે ખૂબ સ્નેહ. એકપણ દિવસ ન મળે તો ચેન ન પડે. પયશ્વિનીને એના કોલેજના જ એક છોકરા અખિલેશ સાથે પ્રેમ થઈ ગયો. અલગ જ્ઞાતિના હોવાથી સ્વાભાવિક રીતે પરિવારોમાં એમના પ્રેમ સંબંધનો સખત વિરોધ થયો. પયશ્વિનીને એના માતા-પિતાએ કોલેજ જવાનું બંધ કરાવી દીધું અને એક દિવસ પયશ્વિનીને લઈને લીવીંગ સર્ટિફિકેટ લેવા કોલેજ ગયા. માતા-પિતા કોલેજના પ્રિન્સિપાલની સાથે વાત કરતા હતા એનો લાભ લઇને પયશ્વિની અખિલેશ સાથે કોલેજમાંથી નીકળી ગઈ. કોર્ટમાં જઈને બન્નેએ લગ્ન કરી લીધા.





શું પયશ્વિની અને અખિલેશ ખોટા હતાં ? એમનું પગલું યોગ્ય નહતું ? વગેરે બાબત અન્ય વિષયને ઉજાગર કરે છે પણ અહીં મુળવાત પયશ્વિની અને અખિલેશની લવસ્ટોરીની નહી પણ અનામિકાની સેન્ડવીચ સ્થિતીની વાત કરવી છે. મિત્ર પયશ્વિનીના કારણે અનામિકાના જીવનમાં જબરો જંઝાવાત જાગ્યો હતો. પયશ્વિનીના પરિવારે પોલીસ કેસ કર્યો. એમાં પયશ્વિનીની બેસ્ટ ફ્રેન્ડ અનામિકાની પણ પોલીસ દ્વારા પૂછપરછ થઈ કારણ કે, અનામિકાના સેલ ફોન ઉપર પયશ્વિનીના કોલ્સની ડિટેઈલ હતી. એ બાબતની પણ છાનબીન થઈ. અનામિકાના માતાપિતાને ખબર પડતા એની ઉપર ખૂબ ગુસ્સે થયા. સ્વાભાવિક રીતે જ માતા-પિતાને દીકરીના ભવિષ્યની ચિંતા અને અખુટ વાત્સલ્ય હોય. એ જ કારણે એમણે અનામિકા સાથે બોલવાનુ બંધ કરી દીધું. તેનો સેલ ફોન લઈ લીધો.એની ઉપર પિતાએ રીસ્ટ્રીકશન મૂકી દીધા.  





હવે અનામિકા ખૂબ એકલતા અનુભવવા લાગી. ભવિષ્યના વિચારથી એને સતત ડર લાગ્યા કરતો. ઘરમાં કોઈ એની સાથે બરાબર વાત ન કરે. વાતવાતમાં ટોન્ટીંગની ભાષાએ એને અંદરથી હચમચાવી નાખી. સળંગ ચાર-પાંચ મહિના આવું ચાલ્યું. અનામિકા પણ દિવસે દિવસે વધુને વધુ અંતરમુખી થતી ગઈ. હસતી-ખેલતી પતંગીયા જેવી અનામિકાના મુખ ઉપરથી તેજ ઘટવા લાગ્યું. એ અંદરથી શોષાવા લાગી. એને થતું કે આમાં મારો શો વાંક છે કે મને સજા મળે છે ! એવામાં એના એપાર્ટમેન્ટમાં સામેના ફ્લેટમાં એક પરિવાર ભાડે રહેવા આવ્યું.

અનામિકાનો નવા આવેલા પરિવાર સાથે ઔપચારિક પરિચય થયો. એણે સામેવાળા આંટીને નામ પૂછ્યું અને એ બહેને એને નામ કહ્યું તો એ સાંભળીને એક મિનિટ માટે તો એને એના કાન ઉપર વિશ્વાસ જ ન બેઠો. એણે ફરી પૂછ્યું, ‘શું કહ્યું આંટી?સામેથી જવાબ મળ્યો, ‘પયશ્વિની.’ દસ પંદર દિવસમાં તો અનામિકાને સામેવાળા પયશ્વિની આંટી સાથે સારું ગોઠી ગયું. ક્યારેક બન્ને બેડમિંટન રમે તો ક્યારેક સાંજે સાથે લટાર મારવા જાય. હરમાં કોઇ પણ નવી વાનગી બને તો અનામિકાને પયશ્વિની આંટી અને પયશ્વિની આંટીને અનામિકા યાદ આવ્યા વગર ન રહે. બન્ને જણા વચ્ચે વાટકી વ્યવહાર પણ જબરો ચાલવા લાગ્યો. પયશ્વિની આંટી અને અનામિકા વચ્ચે અઢી દાયકાનો ઉંમરનો તફાવત પરંતુ બન્ને પાક્કી બહેનપણીઓ બની ગઈ.

એક દિવસ સાંજે બન્ને લટાર મારતા હતાં ત્યારે પયશ્વિની આંટીને અનામિકાએ ચાર છ મહિના પહેલાં એના જીવનમાં ઘટેલી ઘટનાની માંડીને વાત કરી. આખી ઘટના સાંભળીને પયશ્વિની આંટીએ અનામિકાને કહ્યું કે, ‘બેટા તું સાચી કે ખોટી છું એ નક્કી કરતાં પહેલાં તારા માતા પિતાની લાગણીઓ અને સંવેદનાઓને સમજવી જોઇએ. તારા ઉપર પ્રેમ અને લાગણી હોવાથી તારી પ્રતિષ્ઠા ઉપર આંચ ન આવે એટલે એમણે એ સમયે આ પગલાં લીધાં છે. એ લોકો બિલકુલ સાચા છે. રહી વાત તારા પગલાંની. તો એ તારો વાંક નથી. વાંક સમય અને સંજોગોનો છે, જેનુ પરિણામ તારે ભોગવવુ પડ્યુ હોઇ શકે. પરંતુ આ પણ એક જીવનનો પદાર્થપાઠ સમજવાનો છે. એમાંથી પણ શીખવા મળે. તને આગળ વધવાનો રસ્તો મળે છે.





દિવસે દિવસે પયશ્વિની આંટીના કારણે અનામિકાની ઉદાસી દૂર થતી ગઈ અને ફરી એના ચહેરાનું નુર ચમકવા લાગ્યું. એણે પયશ્વિની આંટીએ કહેલા શબ્દો વાગોળતા મનોમન વિચાર્યું કે, ‘મારા માતા પિતાને મારી માટે લાગણી છે એટલે જ તો આમ કરી રહ્યા છે. આંટીની વાતમાં દમ છે. મારે આગળ વધવા માટે ગઈકાલમાં જીવવાનું છોડી દેવું જોઈએ.’ ભુતકાળ ક્યારેય બદલી શકાતો નથી. પરંતુ આજે હાથમાં હસતો ભવિષ્યકાળ દેખાય છે એનો જશ્ન મનાવવાનો હોય.

હવે અનામિકનો નવો મંત્ર હતો કે, ‘ભવિષ્ય ડરવા માટે નહીં પણ ભવિષ્ય ઘડવા માટે છે.’ નિરાશાવાદીઓ દરેક અવસરમાં મુશ્કેલીઓ જ જોતા હોય છે. અનામિકા જેવી ફાઈટર દીકરીઓ મુશ્કેલીઓમાં અવસર નીરખે છે. વૈજ્ઞાનિક અને ચિંતક આલ્બર્ટ આઈનસ્ટાઈન કહે છે કે, ‘જિંદગી બે પૈડાની સાઈકલ જેવી છે. એક તરફ સમતોલન જાળવી રાખીને બીજી તરફ પેડલ મારીને આગળ વધતા રહેવાનું હોય છે.’

સંબંધો અને પ્રસંગોથી ભરેલા આખા પુસ્તકમાં ભુલ તો એક પાનું માત્ર છે. જરૂર પડે તો ભુલનું પાનુ ફાડી નંખાય પણ એ નાનકડા પાનાને કારણે આખું પુસ્તક ન ફાડી નંખાય. કોઈપણ વ્યક્તિનું જીવન એકધારું સરળ અને આસાન ક્યારેય ન હોય. એમાં થોડો અલગ અંદાજ અને થોડું નજરઅંદાજ કરવામાં જ સાર હોય છે. જો આંખો ખુલ્લી હોય તો ખ્યાલ આવે જીવન હંમેશા એક બીજો અવસર આપતું જ હોય છે. પ્રસંગો કઠોર હોય ત્યારે જ માર્ગ કાઢવાનો ખરો આનંદ આવતો હોય છે. આસાનીથી મળેલી વસ્તુની જગતમાં ક્યારેય કદર હોતી નથી. જ્યારે સંપૂર્ણ રીતે તુટી ચૂક્યો હોય ત્યારે વ્યક્તિ જો હસી શકતો હોય તો એને દુનિયાની કોઈ તાકાત તોડી શકતી નથી. ઉગીને ઊભી થતી અનામિકા જેવી છોકરીઓની કહાની ચીસો પાડીને કહે છે કે, કોઈ ઘટના હચમચાવી શકે પણ તોડી તો નહીં જ શકે.


ધબકાર : ભુલો ક્ષમા આપવા જ થતી હોય છે, પરંતુ શરત એટલી કે, ભુલનો સ્વીકાર કરવાની હિંમત હોવી જોઈએ. 





No comments:

Post a Comment