પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 22 April 2018

ડર ત્યાં સુધી જ ડરાવી શકે જ્યાં સુધી એ દૂર હોય...


ડર ત્યાં સુધી જ ડરાવી શકે 
જ્યાં સુધી એ દૂર હોય...

માનવજાતની સૌથી જૂની ઘર કરી ગયેલી જો કોઈ લાગણી હોય તો એ ડર છે. ડરની લાગણી માણસના મનમાં સૌથી મજબૂત અને દ્રઢ રીતે છવાયેલી રહે છે. એમાં પણ સૌથી પ્રચલિત અને ખૂબ ઊંડે સુધી છવાયેલી રહેલી લાગણી કોઇ ‘અજાણ્યા ખોફ’ના ડરની છે. એક આઠમા નવમા ધોરણમાં ભણતું બાળક સ્કૂલથી થોડું મોડું નીકળ્યું અને સ્કૂલ બસ રવાના થઈ ગઈ. આ બાળક સ્કૂલ બસ જતી રહી છે અને એકલો બસ સ્ટેન્ડે ઊભો છે એનો ખ્યાલ આવતાં જ શીંયાવીયાં થઈ ગયો. આમ-તેમ બાઘાની જેમ ડાફોળીયા મારવા લગ્યો. થોડી વાર રહીને એક ખૂણામાં બેસીને પોક મૂકીને ચોંધાર આંસુએ રડવા લાગ્યો. આ બાળક ખૂબ વિહવળ થઈ ગયું. એ અન્ય કોઇ વાહનમાં ઘરે જવા માટે રસ્તો જ કાઢી ન શક્યો. બાળકના માતા પિતા તેને તકલીફ ન પડે એ માટે ઘરના આંગણેથી ગાડીમાં બેસાડીને સ્કૂલ બસમાં મૂકી આવે. સ્કૂલ બસ સ્કૂલના આંગણે એને ઉતારે. જમવાના ટાઈમે જમવાની થાળી મળી જાય. એ જે ઇચ્છા કરે એ પુસ્તક, ખેલ કુદના સાધનો, વસ્તુઓ હાજર કરી દેવામાં આવે. ક્યાંય કોઈ પણ જગ્યાએ એને તકલીફ ન પડે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. ખરેખર તો આ પ્રકારની લેવાતી વધુ પડતી કાળજી ડરપોક વ્યક્તિત્વનું ઘડતર કરે છે. જ્યારે ‘ઓવર કેરીંગ નેચર’થી કોઈ પ્રિય વ્યક્તિનું ધ્યાન રાખવામાં આવતું હોય છે ત્યારે એ જ એની નબળાઈનું સૌથી મોટું કારણ બની જતું હોય છે.
ડરની તોતીંગ ઈમારત સલામતીના પીલરો ઊપર જ ઊભી હોય છે. ‘કમ્ફર્ટ ઝોન’ ડર પેદા કરે છે. ડરના પાયા ઉપર કોઇ દિવસ મિનારો ચણી શકાતો નથી. હિંમત અને શક્તિના મજબૂત કોંક્રીટથી જ વિશ્વાસની મજબૂત ઇમારત ચણાતી હોય છે. ‘જીસ કીસીને ભી અપના વતન છોડા, ઉસીને જાકે નામ કમાયા...’ વતનમાં ઓળખીતા લોકો, જાણીતા માર્ગો, મદદ કરવાવાળાઓની ફોજ વગેરે ‘કમ્ફર્ટ ઝોન’ને છોડીને જે વ્યક્તિ પરદેશમાં અજાણ્યા માહોલમાં અનેક મુશીબતોમાં હિમ્મતપૂર્વક કામ કરે છે તેને આગળ વધવાના માર્ગો મળતા હોય છે. ડરના પાયા ઉપર કોઇ દિવસ મિનારો ચણી શકાતો નથી. હિંમત અને શક્તિના મજબૂત કોંક્રીટથી જ વિશ્વાસની મજબૂત ઇમારત ચણાતી હોય છે.
હું આ કામ કરું તો ખરો પણ એનું મને પરિણામ નહીં મળે તો ? નિષ્ફળતાના આવા ખોટા અનુમાનો ડરની જનની છે. નિષ્ફળતાના ખોફથી કાર્યની જો શરૂઆત જ નહીં થાય તો આગળ વધવાની અને સફળ થવાની વાત માત્ર કલ્પનાનુ આકાશ બનીને રહી જશે. સપનાઓને તો વિશ્વાસનું પાણી છાંટીને હિંમતપૂર્વક સતત તાજાં રાખવાં પડે. સ્વપ્ન સાકાર કરવા માટે મંડ્યા રહેવું પડે – લડતાં રહેવું પડે. આપણે જાણી લેવું પડે કે જીવન પાસેથી આપણે શું મેળવવાનું છે. જીવન તમારો સારથી બને એ પહેલાં તમારે જીવનના સુત્રધાર બની જવુ પડે.



જીત મેળવતા પહેલાં ‘હારી જઈશ તો ?’ એવી બીકના વિચારોના કારણે ઘરમાં બેસી રહેનારો પાછો પડે છે. ડરને આઘો ફેંકીને વિશ્વાસપૂર્વક ઘરની બહાર નીકળી કાર્યરત થઈ જવું પડે. જ્યાં સુધી ડર સાથે પ્રેમ રહેશે ત્યાં સુધી સતત આંસુઓમાં ભીંજાતા રહેવું પડશે. એક સુખી માણસની વાત છે. એમની પાસે સારું એવુ બેન્ક બેલેન્સ, દ્રવ્ય, અસ્ક્યામતો સાથે મહેનત કરીને સંપન્ન બન્યા હતા. ભૂતકાળમાં એમની સ્થિતિ સારી નહતી. અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આગળ આવ્યા હતા. એમને સતત એવા વિચારો આવ્યા કરે કે, ‘ મારી સંપત્તિ ચોરાઈ જશે તો, ઇન્કમટેક્ષની રેડ પડશે તો...’ અવા વૈચારિક તુક્કા લગાવી ડરના માર્યા રાત્રે બરાબર ઊંઘ પણ લઈ ન શકે. ડર લાગવાનુ એક કારણ સ્વાર્થીપણું અને  હદથી વધારે ધનનો સંગ્રહ પણ છે.
મારું આરોગ્ય કથળી જશે તો ? મને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થશે તો ? આવા વૈચારિક ડરથી ઘણાં લોકો પીડાતા હોય છે. તો વળી કેટલાક લોકો હું જે નથી અને ખોટો ડોળ કરૂં છું એવી સાચી વાતની લોકોને ખબર પડી જશે તો એવા ડરથી ફફડતા હોય છે. ભૂલોથી ડરનારો હંમેશા હારતો હોય છે. ભૂલથી ન ડરનારો અને પછડાટ ખાધી હોય તો પણ હિંમતથી ઊભો થઈને ફરી કામ કરવાવાળો ડરને હડસેલવામાં કામયાબ થતો હોય છે. જો ડર મનમાં નહીં હોય તો સાચો માર્ગ આપોઆપ નજર સામે આવશે. ડરથી ત્યાં સુધી જ ડર લાગતો હોય છે જ્યાં સુધી એ પાસે ન આવે. જ્યારે જે ઘટના બનવાની છે એ બને અને એમાંથી બહાર નીકળવા માટે પ્રયાસો શરૂ થાય ત્યારે ડર મટી જાય છે અને હિમ્મતથી મુકાબલા માટે મન તૈયાર થાય છે.
ડર હંમેશા અજ્ઞાનતાનો આચળો ઓઢીને ઊભો હોય છે. ડરથી દુઃખ ઉભુ થાય છે અને એ કહેવાતા દુઃખથી જ જિવનમાં ખાનાખરાબી સર્જાતી હોય છે. ડરના વિચારને મક્કમતાથી આઘા જે ન હડસેલી શકે એ ક્યારેય કાર્ય કરીને આગળ વધી ન શકે. ઘણાં લોકોને એકલતાનો ડર લાગતો હોય, તો વળી ઘણાંને અણઆવડતનો ડર લાગે. ડર આમ તો ક્યાંય નથી. અને જો છે તો એ માત્ર ને માત્ર મનમાં છે. એક તત્વચિંતકે ડરનું પૃથક્કરણ કરતાં કહ્યું છે કે, તમે સક્ષમ છો, એટલે તમને તમારી જીતનો વિશ્વાસ હોવો જોઇએ અને તે તમારા ડરથી મોટો જ હોવો જોઇએ. આશા વગર ડર નથી અને ડર વગરની કોઈ આશા નથી.



એક ભાઈ ખૂબ જાણીતા કવિના મુશાયરાને ખૂબ આનંદથી માણી રહ્યા હતાં. એમનો બીજો મિત્ર એ જ મુશાયરામાં થોડે દૂર બેઠો હતો અને અચાનક આ મિત્ર પર નજર પડતાં તે ઉઠીને તેમની પાસે આવ્યો. એણે આ મિત્રને કહ્યું ‘દોસ્ત તારી ફેકટરીના વિકાસ માટે મારી બેન્કમાં લોન માટે તે એપ્લીકેશન કરેલી તેને મારી બેન્કે આજે રીઝેક્ટ કરી છે. તેની જાણ તને કરી દીધી છે છતાં પણ તું આટલી મોજમાં છે ?’ પેલા મિત્રએ કહ્યું ‘યાર જે થવાનું હતું એ થઈ ગયું. આવતી કાલની વાત આવતી કાલે. પણ એટલા માટે આજની મોજ હું શા માટે છોડું ?’ જેને ભવિષ્યનો ડર નથી એ વર્તમાનમાં ભરપુર આનંદ લઈ શકે છે.
મોટા ભાગે લોકો એવી અજાણી વાતના ભયથી ભયભીત થતાં હોય છે કે, જેનું હકીકતમાં કોઈ અસ્તિત્વ જ હોતુ નથી. જ્યારે ડર મનમાંથી બહાર ફેંકાઈ જાય ત્યારે અસંભવ વાત પણ આસાનીથી સંભવ બની જતી હોય છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર ભમરાનું વજન ખૂબ હોય છે. વૈજ્ઞાનિક નિયમો અનુસાર ભમરો હવામાં ઊડી ન શકે. પણ ભમરાને આ વાતની ખબર નથી અને તે માનવા તૈયાર પણ નથી કે તે ભારે શરીરના કારણે ઊડી ન શકે. ભમરો આ જ કારણથી વારંવાર લગાતાર ઉડવાની કોશિષ કરતોં હોય છે. અસંખ્ય વાર અસફળ થતો હોય છે પણ ન ઉડી શકવાના ડરને હડસેલીને હિંમતથી પ્રયાસ કરતો ભમરો આખરે ઉડવામાં સફળ થતો રહ્યો છે. આપણે એ બધું જ કરવા શક્તિમાન છીએ જે આપણે વિચારીએ છીએ. પણ ખાટલે મોટી ખોડ એ છે કે આપણે આ નહીં કરી શકીએ એવા ડરથી કામનો આરંભ જ નથી કરતા. હું ચોક્કસ કરી શકીશ એવી વિચારસરણીથી કામ કરતાં જ નથી. આપણે ડરના માર્યા નકારાત્મક ધારણાઓથી જાતે જ બંધાઈ જઈએ છીએ. પરિણામે સામાન્ય લાગતી બાબત પણ આપણને મુશ્કેલ અને અસંભવ લાગે છે.
આપણે આજે જે કંઈ પણ છીએ તે આપણી વિચારધારાનું પરિણામ છે. જો આપણે નિષ્ફળ છીએ એમ માનીએ તો એનું કારણ આપણો સફળ ન થવાનો ડર છે. આપણી સાથે એ જ બનતું હોય છે જે આપણે માનતાં હોઈએ છીએ. જેમ ભમરો વૈજ્ઞાનિક કારણોસર ઉડી શકે જ નહીં પણ નહીં કરી શકુ એવા ડરને દૂર કરીને ભમરો ઊડી શકે છે, એમ અસફળતાના ડરને ટાટા બાય બાય કરવુ પડે. નિર્ણય લેવો પડે કે, નબળી વિચારધારાની આસપાસ ગુલામ બનીને બેસી નહીં રહું. મનને વિશ્વાસથી ભરી દઇને ભમરાની જેમ ગુંજન કરતાં આસમાનમાં ઊડવું છે.  દુનિયામાં ડર જેવી કોઈ વાત છે જ નહી જે ડર છે તે એ આપણી અણસમજનો છે. એક વાર સમજની શક્તિ વિકસે તો ડર નામની વાતનું જીવનમાં કોઈ સ્થાન રહે જ નહીં. ઘણા લોકોને ન જાણે ક્યાંથી બદનામીનો ડર મગજમાં ઘર કરી જાય છે. જેને ગરમી અને ડરથી પસીનો થતો હોય છે તેવા વ્યક્તિને શ્રમનો પસીનો સૌથી વધુ ભયભીત કરતો હોય છે. જિંદગીમાંથી જ્યારે ડરનું તત્ત્વ નામશેષ થઈ જાય છે ત્યારે જીવનનો સાચો આનંદ પ્રગટતો હોય છે. જે કંઈ પણ બનશે એનો સામી છાતીએ મુકાબલો કરશું. નક્કી કરી લો કે, ખુશી હશે તો ખુશ થઈશું અને દુઃખ હશે તો તેને પણ હસીને દૂર હડસેલીશું. જાણીતા ગુજરાતી ગઝલકાર મર્હુમ શેખાદમ આબુવાલા જિંદાદીલ જિંદગીની ફિલોસોફીને વર્ણવતાં એક શેરમાં લખે છે કે, ‘અમને નાખો જિંદગીના આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં...’ ડર અને ફફડાટ સામે જિંદગીની જિંદાદીલીનો જંગ હમેશા મઝાનો લાગતો હોય છે. ડર્યા વગર સ્વીકારી લેવુ જોઇએ, થોડીક ખુશી અને થોડીક વ્યથાનું મિશ્રણ જીવનને પરિકથા જેવું બનાવે છે.

ધબકાર –
તમારી પાસે બે જ વિકલ્પ છે, ડર ઉપર વિજય મેળવો કે પછી ડરને જીતવાનો મોકો આપો, નક્કી તમારે કરવાનુ છે.





No comments:

Post a Comment