ચાહે લાખ બિછા લો બંદિશે, ફીર ભી આસમાન મે આપની જગહ બનાઉંગી
મૈં...
એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર
ફુલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી
બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ
પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યું
એમ એક ‘દી સર્જકે એક નારીનું સર્જન કર્યું
દેવદુર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી
નારી શક્તિના સામર્થ્યને શૂન્ય પાલનપુરી સાહેબે ગઝલોમાં ધારદાર શબ્દે
મઢીને અદભુત રીતે વર્ણવી છે. આમ તો એપ્રિલ મહિનાની પહેલી તારીખ એટલે ‘એપ્રિલ ફુલ’નો મજાકનો દિવસ. પણ એના પછી તરત આવતો બીજો
દિવસ એટલે વિયેટનીસ અમેરિકન મહિલા ફાન થી કીમ ફુકનો જન્મ દિવસ. એસોસિએટેડ પ્રેસના વિયેટનીસ અમેરિકન તસવીરકાર નીક યુટીએ નાપામ
હુમલામાં દોડતી ફાન થી કીમ ફુક નામની નવ વર્ષની બાળકીને કચકડે કંડારી હતી. ‘ધ ટેરર ઓફ વોર’ નામની આ તસવીર કે જેને ૧૯૭૩માં
તસવીરકળા માટે ‘પુલીત્ઝર પ્રાઈઝ ફોર સ્પોટ ન્યુઝ’ જેવું ફોટોગ્રાફીનું સર્વોચ્ચ સન્માન
પ્રાપ્ત થયું હતું. આ નવ વર્ષની બાળકી થી કીમ મોટી થઈને લેખિકા બની. એણે યુદ્ધમાં અસરગ્રસ્ત બાળકોના પુનઃસ્થાપન
માટે એક એનજીઓની પણ સ્થાપના કરી છે.
ફાન થી કીમનો એપ્રિલ ૨ જન્મ દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વમાં થતી મહિલા
સશક્તિકરણની વાતો અને નારી શક્તિ બળવત્તર કરવાના પ્રયાસો માનસપટ ઉપર સહજ તરવરવા
લાગે છે. વાત કરવી છે
મહિલા વૈજ્ઞાનિકોની. સામાન્ય રીતે જ્યારે પણ વૈજ્ઞાનિકો વિશે વાત નીકળે ત્યારે આઈઝેક
ન્યુટન, સી.વી. રામન, સ્ટીફન હોકિંગ્સ, એ.પી.જે. અબ્દુલ કલામ જેવા પુરુષ વૈજ્ઞાનિકો
ફટાફટ યાદ આવવા લાગે. પણ જ્યારે વિશ્વની મહિલા વૈજ્ઞાનિકો વિશે કોઈ પુછે તો સ્વાભાવિક રીતે
જ વિચારમાં પડી જવાય. અને એમાં પણ જો કોઈને ભુલેચુકે પણ ભારતીય મહિલા વૈજ્ઞાનિકો વિશે
કહેવાનું થાય તો તે શૂન્યમનસ્ક જ રહે.
વિજ્ઞાનથી જ વિકાસની રાહ ઉપર તેજ રફતારથી દોડવાનું શક્ય બન્યું છે. એક સમયે જ્યાં પહોંચવુ અસંભવ લાગતું
હતું એવા ચંદ્ર કે આકાશના તારા સુધીની આજે માનવીની પહોંચ વિજ્ઞાનને આભારી છે. વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રે મહિલા
વૈજ્ઞાનિકોએ બુલંદીના શિખરો જરૂર સર કર્યા છે પણ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે, મોટા સંશોધન પ્રકલ્પો ઉપર બુદ્ધિશક્તિને
સિદ્ધ કરવા માટે મહિલાઓએ અનેક કસોટીઓ સામે ઝઝુમવું પડે છે.
સંયુક્ત રાષ્ટ્ર પરિષદે ડિસેમ્બર-૨૦૧૫માં એક ક્રાંતિકારી નિર્ણય કર્યો. યુએને પ્રતિવર્ષ ૧૧મી ફેબ્રુઆરીને ‘ઈન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન
સાયંસ’ તરીકે
વિશ્વભરમાં ઉજવવા માટે એલાન કર્યું. વિજ્ઞાન અને પ્રદ્યોગિકી ક્ષેત્રે કાઠુ કાઢનારી મહિલા અને કિશોરીઓના
વિચારોને પવનવેગે બહાર આવવા માટે એક નવી દિશા મળી. આમ પણ યુનેસ્કો માટે પહેલેથી જ જેન્ડર
ઈક્વાલીટી પ્રાથમિકતાનો વિષય રહ્યો છે. પ્રતિવર્ષ મહિલા અને કિશોરીઓનું વિજ્ઞાનમાં પ્રદાન ઉજાગર કરવાનો આ
આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવા પાછળ યુએનનો મુખ્ય આશય છે. આ વર્ષે ૨૦૧૯માં ઉજવણીનો થીમ ‘ઈન્ક્લુઝીવ ગ્રીન ગ્રોથ’ હતો.
આ પ્રકારનો આંતરરાષ્ટ્રીય દિવસ શા માટે ઉજવવો પડે એની આવશ્યક્તાનો
ખ્યાલ યુનેસ્કોના ૨૦૧૪થી ૧૬ના સંશોધન અહેવાલના આંકડાઓ ઉપરથી વધુ સ્પષ્ટ થાય છે. વિશ્વમાં વૈજ્ઞાનિક સંશોધનો ક્ષેત્રે
મહિલાઓની ૩૦ ટકાથી પણ ઓછી ભાગીદારી જોવા મળી છે. સમસ્ત વિશ્વમાં વિજ્ઞાન સંલગ્ન
અભ્યાસમાં પુરુષોની તુલનામાં મહિલાઓની હિસ્સેદારી ખૂબ ઓછી છે. વિજ્ઞાન, ગણિત, ટેકનિકલ ક્ષેત્રો, ઈજનેરી વગેરેમાં નારીશક્તિની ભાગીદારી
૨૮ ટકાથી પણ ઓછી રહી છે. કોમ્યુનિકેશનના ક્ષેત્રે માત્ર ત્રણ ટકા, પ્રાકૃતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્રમાં
પાંચ ટકા, એન્જિનિયરીંગ
અને મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રકશન ક્ષેત્રે આઠ ટકા મહિલાઓનું પ્રદાન જણાયું છે. આખી દુનિયામાં મહિલા પેટંટ ધારકો માત્ર
૧૬ ટકા જ છે.
આ આંકડાકીય વિગતો માનસિક રીતે વાચકબંધુઓને અને ખાસ કરીને મહિલા
વાચકોને નાસિપાસ કરી નાખે એવી ચોક્કસ છે. પણ સાથે સાથે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડે કે, વનસ્પતિ વિજ્ઞાનથી માંડીને મિસાઈલ
ટેકનોલોજી, અંતરિક્ષ
વિજ્ઞાનથી માંડીને મરીન ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય મહિલા વૈજ્ઞાનિકોએ જબરો ડંકો
વગાડ્યો છે. નવેમ્બર, ૪ ૧૯૮૭માં કેરાલામાં જન્મેલા પદ્મશ્રી
જાનકી અમ્માલ વનસ્પતિ શાસ્ત્રના દાદુ વૈજ્ઞાનિકોમાં સ્થાન ધરાવે છે. એમણે સાઈટોજનિક એટલે કે કોષિકા
વિજ્ઞાન અને ફોટોજ્યોગ્રાફિ ઉપર સંશોધન કર્યું છે. એવા જ એક બીજા ભારતીય મહિલા વૈજ્ઞાનિક
આનંદીબાઈ જોષીના મેડિકલ સાયંસ ઉપરના શોધ કાર્યને વિશ્વ ક્યારેય ભુલી નહીં શકે. કાર્બનિક રાસાયણ અને ફાઈટો મેડિસિન ઉપર
અસિમાજી ચેટર્જીનું અદભુત સંશોધન પ્રદાન રહ્યું છે. પહેલા ટેસ્ટ ટ્યુબ બેબીના પ્રણેતા ડો. હિન્દુજા ઇંદિરાજી જ તો હતા. હિન્દુસ્તાની મહિલા વૈજ્ઞાનિક ડો. અદિતી પંતે સમુદ્રી વિજ્ઞાનમાં તેમના
સંશોધનોથી વિશ્વને અચંબિત કરી નાખ્યું હતું.
ભારતની મહિલા વૈજ્ઞાનિક અગ્નિપુત્રી ટેસી થોમસના નામથી દુનિયામાં કોણ
અજાણ હશે ? ભારતની લોંગ રેન્જ અગ્ની મિસાઈલના સંશોધનમાં ટેસી થોમસજીનો સિંહ ફાળો
રહ્યો છે. મિસાઈલ
ટેકનોલોજીમાં એમણે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. અંતરિક્ષ વિજ્ઞાન અને મહિલા અંતરિક્ષ
યાત્રીમાં ભારતની કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સના નામ મોખરે છે.
વૈશ્વિક ફલક ઉપરની મહિલા વૈજ્ઞાનિકોમાં મેડમ મેરી ક્યુરીને અવશ્ય યાદ
કરવા પડે. મોબાઈલ એક્સ-રે મશીનની વિશ્વને ક્યુરીએ ભેટ આપી. મેડમ ક્યુરીની આ વૈજ્ઞાનિક શોધ યુદ્ધના
મેદાનમાં ઘાયલ સૈનિકોના ઉપચાર માટે અત્યંત ઉપકારક બની. થોરિયમ અને યુરેનિયમથી પણ તાકાતવર એવા
પીચ મિશ્રણની શોધ માટે પણ દુનિયા એમને નવાજે છે. પીચ મિશ્રણ વીકિરણનો સ્ત્રોત બની પરમાણુ
બોમ્બની સંરચનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મેડમ ક્યુરીને પરમાણુ બોંબની જનની તરીકે પણ ઓળખવામાં આવે છે. શિન-શુંગ-વુને યુરેનિયમ-૨૩૫ અને યુરેનિયમ-૨૩૮નું શોધ કાર્ય કર્યું છે. વુને ચીની મેડમ ક્યુરી કહે છે.
ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ૨.૮ લાખ જેટલા શોધકર્તાઓ કાર્યરત છે. જેમાં માત્ર ૧૪ ટકા મહિલા શોધકર્તા છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં પ્રતિ
૧૦ શોધકર્તાઓમાં માત્ર બે મહિલા શોધકર્તા હોય છે. આ પરિસ્થિતિમાં ઝડપભેર બદલાવ આવવાની દિશામાં
મંડાણ થઇ ચૂક્યું છે. આમ પણ કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ યશસ્વી બની શકે જ્યારે એ દેશમાં પુરુષો
અને મહિલાઓ એકમેકની સાથે ખભે ખભા મિલાવી કાર્ય કરતા હોય. આજે તો વિશ્વના ખૂણે ખૂણામાંથી મહિલા
સશક્તિકરણનો અવાજ વધુને વધુ બુલંદ બની રહ્યો છે. પુરુષપ્રધાન સમાજને ચેલેન્જ આપીને
બુલંદ અવાજે દુનિયાની પ્રત્યેક મહિલા ગાતી હોય એમ લાગે છે કે, ‘તોડ કે હર પિંજરા, જાને કબ મૈં ઉડ જાઉંગી, ચાહે લાખ બિછા લો બંદિશે, ફીર ભી દૂર આસમાન મે આપની જગહ બનાઉંગી
મૈં... હા, ગર્વ હૈ મુઝે મૈં નારી હું...’
ધબકાર :
‘કોઈને એવું કહેવાનો મોકો ન આપો કે તમે
મહિલા છો એટલે અબળા છો...’ – મેરી કોમ


No comments:
Post a Comment