કોઈએ તમારા ઉપર રાખેલા ભરોસામાં
ગજબની શક્તિ હોય છે
ભરોસો દુનિયાની સૌથી મુલ્યવાન દોલત છે. એમાં પણ જ્યારે કોઈએ તમારામાં ભરોસો મુક્યો હોય ત્યારે એ ભરોસો ગજબની
તાકાત બની જતો હોય છે. વિશ્વાસને વહેંચવો નથી પડતો. વિશ્વાસ, વાયદો, સંબંધ અને ભરોસો આ ચાર શબ્દો સૌથી બળવાન
છે. આ ચારેય શબ્દો ચાર ભુજાઓ બનીને પડખે હોય ત્યારે
શક્તિનો અખુટ ખજાનો બની જતા હોય છે. એ તુટે ત્યારે અવાજ નથી આવતો પણ
દુઃખનું વાવાઝોડું પેદા થઈ જતું હોય છે. ભરોસો ત્રણ અક્ષરનો શબ્દ વાંચતા માત્ર
એક સેકંડ લાગે. વિચારીએ તો કદાચ મિનિટો લાગે. ઉદાહરણો જોડીને સમજવાની કોશીષ કરીએ તો એકાદ દિવસ પણ થાય. પરંતુ જો ભરોસો સાબિત કરવાનો થાય તો જીવન પણ ટૂંકું પડે.
એક કાલ્પનિક કથા છે. એક
રાજા તેના લાવ-લશ્કર સાથે જંગલમાંથી પસાર થતો હતો. એમાં એનો એક ઘરડો હાથી પણ હતો. જંગલમાંથી પસાર થતા હતા ત્યારે આ ઘરડા
હાથીનો પગ કીચડમાં લપસતા એક ખાડામાં પડી ગયો. સૈનિકોએ
ખૂબ મહેનત કરી પણ આ વિશાળકાય હાથીને બહાર કાઢી ન શક્યા. રાજા
પણ વિમાસણમાં મુકાઈ ગયો. એણે પ્રશ્નાર્થ સાથે મંત્રી સામે જોયું. મંત્રીએ કહ્યું, ‘મહારાજ શંખ, ઢોલ, ત્રાંસા, નગારા બ્યુગલ મંગાવો અને મળસ્કે એને જોરદાર રીતે વગડાવો. રાજાને સમજ ન પડી મંત્રી આવી સલાહ કેમ આપી રહ્યા છે. પણ અનુભવી મંત્રીની વાત માનીને રાજાએ મંત્રીએ જણાવેલી સામગ્રી મંગાવી.
મળસ્કે શંખનાદ, બ્યુગલ,
ઢોલ-ત્રાસા વાગાડવાના શરૂ કર્યા. યુદ્ધ જેવો માહોલ બની ગયો. ખાડામાં ફસાયેલો હાથી મહેનત મશક્કત કરી આપ મેળે બહાર આવી સૂંઢ ઊંચી
કરીને ચિત્કાર કરવા લાગ્યો. રાજાએ વિસ્મય સાથે મંત્રીને પૂછ્યું, ‘આ ચમત્કાર કેવી રીતે થયો ?’ મંત્રીએ
વિનમ્રતાથી રાજાને કહ્યું, ‘મહારાજ આ હાથીએ તમને અનેક યુદ્ધોમાં
સાથ આપ્યો છે. એ ઘરડો ભલે થયો છે પણ બ્યુગલ અને શંખધ્વની
સાંભળીને એને થયું કે મારો માલિક યુધ્ધની મુશ્કેલીમાં છે. મારા
માલિકને યુધ્ધ લડવાનો મારા ઉપર ભરસો છે. માલિકની પડખે ઊભા રહેવા અને માલિકના
ભરોસાને બરકરાર રાખવા એ મહેનત મશક્કત કરીને બહાર આવી ગયો અને આપની પડખે ઊભો રહી
ગયો છે.’
આ નાનકડી વાત આમ તો છે કાલ્પનિક પણ ભરોસાની
તાકાતને સુપેરે સ્પષ્ટ કરે છે. પોતાની જાત ઉપરનો વિશ્વાસ આગળ વધવાનો
મહત્વનો પાયો જરૂર છે, પણ બીજાનો તમારા ઉપરનો વિશ્વાસ લક્ષ્ય સુધી
પહોંચવા દોડવા માટેનું બળ બની જતો હોય છે. વિશ્વાસમાં દેખાડાનું કોઈ સ્થાન નથી.
એક માણસે જાહેરાત કરી કે એ આંખે પાટા બાંધી
નાયગ્રા ફોલ ઉપર દોરડું બાંધીને એની ઉપર ચાલશે. આ
જોવા અડધું શહેર નાયગ્રા ફોલ પાસે ઉમટી પડ્યું. એણે
જ્યારે સફળતાથી દોરી ઉપર ચાલી નાયગ્રા ફોલ પસાર કર્યો ત્યારે બધાએ એને ખૂબ અભિનંદન
આપી વધાવી લીધો. બીજા દિવસે એણે ફરી જાહેરાત કરી કે એ આંખે પાટા
બાંધી ખભે એક જણને બેસાડી નાયગ્રા ફોલ ઉપર દોરી બાંધી એની ઉપર ચાલશે. આખુ શહેર એ જોવા આવ્યું. એણે આંખે પટ્ટી બાંધી કહ્યું, ‘અહીં
આવેલામાંથી કોઈ આગળ આવીને મારા ખભે બેસી જાય એટલે હું આ દોરી ઉપર ચાલીને નાયગ્રા
ફોલ પસાર કરું.’ એક પણ વ્યક્તિ આગળ ન આવ્યો. બધા જોતા જ રહ્યા. આમાં મૂળ વાત ભરોસાની હતી. એ આંખે પાટા બાંધી એકલો ચાલતો હતો ત્યાં સુધી કોઈને વાંધો જ ન હતો. જ્યારે ખભે બેસવાની વાત આવી તો ભરોસાની દિવાલ ઠેકવાની હતી. એવી હિંમત આખા શહેરમાંથી કોઈની પાસે ન હતી. વિશ્વાસ
અને ભરોસો રાખનારાને ક્યારેય નજર અંદાજ કરવાની ભૂલ ન કરવી જોઈએ. નહીંતર એક દિવસ પથ્થરો ફેંકવાની લ્હાયમાં ક્યાંક હીરો ખોઈ બેસવાનો
વારો આવી જાય.
શાળામાં ભણતા એક વિદ્યાર્થીને શિક્ષકે બોલાવી
એક ચિઠ્ઠી આપી કહ્યું આ માત્ર તારી મમ્મીને જ આપજે. બાળકે
એ ચિઠ્ઠી ઘરે જઈને મમ્મીને આપી. એણે મમ્મીને પૂછ્યું ‘મા ટીચરે એમાં શું લખ્યું છે?’ માતાએ જવાબ આપ્યો, ‘ લખ્યું
છે કે, તમારો દીકરો ખૂબ હોંશિયાર અને હોનહાર છે. એને અમારી શાળામાં ભણાવી શકે એવા કોઇ શિક્ષકો જ નથી. એટલે હવેથી તમે જ એને ભણાવશો.’ મા શિક્ષિકા રહી ચૂકી હતી. એણે પુત્રને જાતે ભણાવ્યો. એક્સટર્નલ પરીક્ષાઓ અપાવી. આગળ જતા આ વિદ્યાર્થી આઇએએસની પરીક્ષામાં પાસ થયો અને કલેક્ટર બની
ગયો. થોડા વર્ષો બાદ માતા મૃત્યુ પામી.
માતાના મૃત્યુ પછી દીકરાએ મમ્મીનું કબાટ
ખોલ્યું. એમાં કપડા સાથે વર્ષો પહેલા પ્રાથમિક શાળાની
શિક્ષિકાએ લખેલી પેલી ચિઠ્ઠી જર્જરીત હાલતમાં નજરે પડી. એણે
એ ચિઠ્ઠી ખોલીને વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘તમારું
બાળક ભણવામાં અત્યંત નબળું છે. તેને કોઈપણ વિષયમાં કશી ગતાગમ નથી પડતી. એ ખૂબ તોફાની પણ છે. એને આવતી કાલથી અમારી શાળામાં ન મોકલશો. એને તમે જાતે ભણાવી શકો તો ભણાવજો અથવા બીજી જે શાળા એને ભણાવી શકે
એમાં પ્રવેશ આપાવી દેજો પરંતુ એને આવતી કાલથી અમારી શાળામાં ન મોકલશો.
નબળા બાળકને માના ભરોસાએ આઈએએસ બનાવી કલેકટરપદે
બેસવાની તાકાત આપી. તમારામાં કોઈએ રાખેલા ભરોસામાં ગજબની શક્તિ હોય
છે. ભરોસો રાખવાનું સૌથી કપરું કામ છે. કોઇની વાતને કે કામને જ્યારે સ્વીકાર કરી એને પોંખવામાં આવે એનામાં
વિશ્વાસ રાખવામાં આવે તો એ વ્યક્તિની શક્તિ બેવડાઇ જતી હોય છે. વિટંબણા તો એ હોય
છે કે, સામાન્ય રીતે લોકો પોતાના કામમાં એટલા રચ્યા પચ્યા હોય છે કે બીજાની
કાર્યશક્તિને સભાન રીતે સતત અવગણે છે. પરિણામે એ અવગણના ભભુકીને બહાર આવે છે. એક
સમયે સાથે રહી કામ કરનારા વચ્ચે માઇલોનું અંતર પેદા થઇ જાય છે. એકવાર ભરોસાના મૂળ
મજબૂત રીતે જીવનની જમીનમાં રોપાઈ જાય પછી એ ભરોસો જ માણસને જીત અપાવે છે.
ધબકાર :
ખોટી મુંઝવણો સાથે દોડવા કરતાં કોઈએ તમારામાં મૂકેલા
વિશ્વાસ સાથે મજબૂત ડગ માંડવા સારા.


No comments:
Post a Comment