પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 23 March 2021

નાસમજ હોવાની સમજ બુદ્ધિશાળી હોવાની ખાતરી છે


    


જગપ્રસિદ્ધ કાવ્ય સર્જક અને વિદ્વાન નાટ્યકાર વિલિયમ સેક્સપિયરે એક વિચાર આપ્યો હતો કે, ‘નામમાં શું છે ? ગુલાબનું નામ ગમે તે હોત પરંતુ તેની સુગંધ તો એ જ રહેત.’ મજાની વાત એ છે કે, આ મજબૂત વિચાર લખ્યા બાદ વિલિયમ સેક્સપિયરે નીચે પોતાનું નામ તો આપ્યું જ હતું. જો કે, એ અલગ ચર્ચાનો મુદ્દો હોઈ શકે. ભારતમાં મધ્ય પ્રદેશ રાજ્યના રાયસણના નાના એવા કુરવાડા ગામમાં બાબુલાલ અને સરસ્વતીના તારણપંથી દિગંબર જૈન પરિવારમાં જન્મેલા ચંદ્રમોહન જૈન નામના મેઘાવી બાળકે એના સમગ્ર જીવન દરમિયાન ત્રણ ચાર અલગ અલગ નામો રાખ્યા. પરંતુ એના વિચારો અને તર્કે સમગ્ર જગતમાં નવી ચેતના જગાવવામાં મોટો ભાગ ભજવ્યો. કદાચ એટલે જ લોકોએ એમના તમામ નામને હદયપૂર્વક સત્કાર્યા.

ચંદ્રમોહન પોતાના સમગ્ર જીવન દરમિયાન નામ બદલતા રહ્યા. છેલ્લે એ ઓશો નામે ઓળખાતા હતા. આ ઓશો શબ્દ પ્રસિદ્ધ કવિ વિલિયમ જેમ્સના સર્જન ‘ઓશોનિક એક્સપીરિયંસ’ના ‘ઓશોનિક’ શબ્દ ઉપરથી લીધુ હોવાનું ઓશો કહે છે. ઓશો શબ્દ ‘ઓશન’ એટલે કે સાગર ઉપરથી જરૂર છે પણ ‘ઓશો’નો અર્થ સાગર નહીં, ‘સાગરમાં વિલીન થઈ જવું’ એમ થાય છે. ચંદ્રમોહન ૧૯૬૦ના દશકમાં આચાર્ય રજનીશના નામથી ઓળખાતા. ત્યારબાદ ૧૯૭૦ના દાયકામાં ભગવાન રજનીશ અને છેલ્લે ૧૯૯૧થી ઓશો તરીકે લોકો એમને ઓળખતા. નામ ભલે અલગ રહ્યાં પણ એમના શબ્દો અને વિચારોમાં જબરજસ્ત સ્પાર્ક હંમેશા રહ્યો છે. મુંબઈના મંચ ઉપરથી ૭૦ના દાયકામાં એમના પ્રખર વિચારોના મંડાણ થયા. પછી તો પુના, ગુજરાત, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતથી માંડીને પશ્ચિમના દેશો સહિત અનેક શહેરોમાં તેમની વાણીને લોકોએ ભરપુર પ્રેમ અને આદર આપ્યો. જો કે સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધો વિશેના એમના પ્રવચન અને ઓરોગન આશ્રમમાં ફુડ પોઈઝનિંગની ઘટનાના કારણે ઓશો થોડો સમય વિવાદોના વમળમાં પણ રહ્યા.


ઓશોના વક્તવ્યમાં સટિક ઉદાહરણો અને માર્મિક કાવ્ય રચનાઓનો મહાસાગર હોય છે. એમના પ્રવચનોમાં આપેલા સચોટ ઉદાહરણો જીવન પથદર્શક બની જાય છે. સાંભળનારને એમ લાગે કે, આ ઘટનાનો મારી સાથે જ અતુટ નાતો છે. એમની અસ્ખલીત વાણીમાં વહેલી કવિતાઓના સંદર્ભમાં જીવન જીવવાનું બળ મળી જતુ હોય છે. એમની કેટલીક કવિતા અને ઉદાહરણો તો એવા હોય છે કે, એકાદ બે મિનિટમાં કોઈ મહાગ્રંથ જેટલું સત્ય સમજાવી જાય છે. એમના વક્તવ્યમાં અપાયેલા ઉદાહરણો અને કાવ્ય સંદર્ભોમાં સદાય અદભુત મેગ્નેટિક ટચ જોવા મળ્યો છે.

માનવીની સુખની અભિલાષાને એમણે અનેકવાર અલગ અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરી છે. દરેક આસક્તિનો અંત ઉદાસી હોય છે. ઓશો કહે છે કે, તમે જીવનમાં ઘણી બધી વાર અનેક બાબતના પ્રેમમાં પડ્યા છો. પણ આખરે તો તમારા હાથ ખાલી જ રહી જતા હોય છે. જીવનમાં બહાર જ્યાં જૂઓ ત્યાં દુઃખ જ દેખાય છે. આપણે રોજેરોજ એકની એક પ્રવૃત્તિ વારંવાર કરતા રહીએ છીએ. ક્રોધ, અહંકાર, ઈર્ષા હજારો વાર કરતા રહીએ છીએ. પછી દુઃખી થતા રહીએ છીએ. એ કહેતા કે, ફક્ત એકાદ મહિનો ડાયરી લખીને ચકાસી જૂઓ કેટલી બધી વાતનું વારંવાર રીપીટેશન આપણે કરતા રહીએ છીએ.


નારાજી, દુઃખી, પીડીત, અપમાનીત, મોહિત, રાગ, દ્વેષ, બધી જ લાગણીઓમાંથી પસાર થઈ ગયા. એના પછી શું ? એકની એક વાત ઉપર ક્યાં સુધી દુઃખી થવાનું ? આ વાત ઉપર સરસ કાવ્ય દ્રષ્ટાંત રજૂ કરતા ઓશો કહે છે કે,

કુછ ઈસ કદર હૈ ગમે જિંદગી સે દિલ માયુસ

ફીઝા ગઈ તો બહારો મેં ભી જી નહિં લગતા

એક ઉદાહરણમાં ઓશો કહે છે કે, ફુલોને સાચવી રાખો તો એકા’દ દિવસ પછી એ સડી જશે એમાંથી સુવાસને બદલે દુર્ગંધ મારશે, પણ હજારો ફૂલોને નીચોવી એનો અર્ક કાઢી અત્તર બનાવી લેવાય તો એની મહેંકને અમરત્વ મળી જશે. જીવનના અનુભવોનો અર્ક અત્તર જેવું કામ કરે છે. અનુભવથી વ્યક્તિ બુદ્ધિમાન બને છે. શાસ્ત્રો કે પાંડિત્યથી ભરેલા પુસ્તકોથી બુદ્ધિમાન ન બની શકાય. એ પોપટથી વિશેષ કશું જ ન બનાવી શકે. નાસમજ હોવાની સમજ બુદ્ધિમાન હોવાની ખાતરી છે.


સામાન્ય રીતે વ્યક્તિ દુઃખના ખ્યાલોના વર્તુળમાં જાતે જ ઉત્સાહથી પ્રવેશી જાય છે. પછી દુઃખી થઈ જાય છે. દુઃખ તો જ્યારે આવશે ત્યારે દેખા જાયેગા, તકલીફ તો એ છે કે, આપણે દુઃખ આવે ત્યારે ખુમારીથી એનો મુકાબલો કરવાને બદલે ઢીલાઢફ થઈને બરડો ધરી દઈએ છીએ. તકલીફને ફટકા મારવા નોતરું આપી દઈએ છીએ. ઓશો કહે છે કે, કોઈપણ કારણ વગર પણ અંતરમાં ઉત્સાહનો ફુવારો ઊડતો હોય છે એને માણતા શીખવુ પડે. દુઃખ તો એ થવું જોઈએ કે, આ ફુવારામાં આપણે ભીંજાતા જ નથી. શૈશવ નાચે-કુદે, ઝરણું ખળખળ વહે, વસંતમાં વૃક્ષો નવી કુંપળ સાથે નૃત્ય કરે, ફુલોની મહેંક પવન ઉપર સવાર થઈને મોજથી માઈલોનો પ્રવાસ કરે છે. જગતમાં ઇશ્વર નિર્મિત દરેકની પાસે પોતાની અલગ શક્તિ અને અલગ ઓળખ છે. આમાં કોઈ પણ અર્થ વગરનો ઉમંગ છે. આ જ તો અદભુત ઐશ્વરીય અનુબંધ છે.


ધબકાર :

‘વો કહતે હૈ કી, કૂદને સે પહલે દો બાર સોચો. મૈં કહતા હું, પહેલે કૂદો ઔર ફીર જીતના ચાહો ઉતના સોચો.’  – ઓશો 




No comments:

Post a Comment