પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 9 March 2021

નૃત્ય-સંગીતને આંતરિક ઉર્જાની અભિવ્યક્તિનો કોસ્મિક પાવર કેમ કહેવાય છે ?

 



ક્યારેય વિચાર્યું છે કે, ફિલ્મોમાં વાર્તા સાથે ગીત, સંગીત અને ડાન્સના સેગમેન્ટ કેમ હોય છે ? ટીવી ઉપર વુગી વુગી, નચબલીયે, સારેગમ જેવા ડાન્સ શો કેમ પોપ્યુલર બન્યા છે ? માનવીના જીવન સાથે નૃત્યકળા અને ગીત સંગીતનો અતુટ નાતો રહ્યો છે. આ નાતો ઔપચારિક કે ઉપરછલ્લો હોત તો બહુ લાંબો ટક્યો જ ન હોત. નૃત્ય અને સંગીત એક કોસ્મિક પાવર છે. આધ્યાત્મિક ચેતના તેની સાથે સાંગોપાંગ જોડાયેલી હોય છે. આનંદની અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ નૃત્ય છે. માનવીના જન્મથી માંડીને સહજીવનની શરૂઆત, ધાર્મિક ઉત્સવ કે સામાજિક પ્રસંગોનો ઉલ્લાસ નૃત્યના માધ્યમથી મહેંકતો હોય છે. વાસ્તુ, શિલ્પ, સંગીત, ચિત્ર અને કાવ્ય પાંચ લલીતકલાઓનો આપણા જીવન સાથે પ્રગાઢ સંબંધ છે. આ પાંચેય કલામાં પોતાની મધુરતા, સાહજિકતા અને પ્રભાવશાળીતાના કારણે નૃત્ય-સંગીત કલાનો વિશેષ મરતબો છે.


સંગીત કલા સાથે નૃત્ય કલાની સાધના સંકળાયેલી છે. સંગીત અને નૃત્યકલા એક એવો સાહજિક આધ્યાત્મિક માર્ગ છે કે જેના દ્વારા વ્યક્તિ સાધક બની ઈશ્વરની સમીપ પહોંચી જતો હોય છે. ઓશોના મતે નૃત્યમાં એવી અદભુત તાકાત હોય છે કે, વ્યક્તિ સ્વનું અસ્તિત્વ ઓગાળી પરમાત્મામાં લીન થઈ જતો હોય છે. મહાપ્રભુ ચૈતન્ય અને પ્રેમદીવાની મીરા જેવા અનેક ઉદાહરણો નૃત્યકલા સાધનાની સહજ સમજ આપે છે.

કટકના એક સંગીતપ્રેમી પરિવારમાં જન્મેલી સંગીત વિશારદ શ્રીમતી સુપ્રભા મિશ્રા સંગીત કલાની ઉપાસના માટે ઓમ આર્ટસ ડાન્સ એકેડેમીની સ્થાપના કરીને બાળકોને તાર્કિક દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસરનું નૃત્ય શિક્ષણ આપી રહ્યાં છે. એમણે નૃત્ય કલાને બરાબર પચાવી છે. સુપ્રભાજીએ ઓડિસી નૃત્યની વિસ્તૃત સમજ આપતું ભારતીય નૃત્યઉપર સુંદર જ્ઞાનસભર પુસ્તક લખ્યું છે. સુપ્રભા મિશ્રા ન કેવળ એક કુશળ નૃત્યાંગના છે બલ્કે ઊંચા ગજાના શબ્દ સર્જક પણ છે. એમણે માત્ર નૃત્ય સાધના ન કરી પણ એમના સંપર્કમાં આવનારા અનેકને નૃત્ય કલાનું જ્ઞાન પીરસ્યું છે. કટકમાં એમણે શ્રી રઘુનાથ દત્તાજી પાસેથી નૃત્ય કલાનો અભ્યાસ કર્યો. પદ્મભૂષણ કેલુચરણ મહાપાત્રજી અને શ્રી ગંગાધર પ્રધાનજી પાસેથી ઉચ્ચ નૃત્યકલાનુ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. સુપ્રભાજીની સંગીત સાધના  પ્રેમ અનન્ય છે.


આમ તો માનવ સાભ્યતામાં નૃત્ય કલાનો પ્રવેશ ક્યારે થયો તેનું ચોક્કસ આકલન કરવું મુશ્કેલ છે પરંતુ કેટલાક પૌરાણિક ગ્રંથોના સહારે નૃત્ય કલા સાધનાને સમજવાનું રસપ્રદ બની જાય છે. યુરોપમાં ઈસવીસન પૂર્વે ૨૫૦૦ વર્ષ પહેલાં નૃત્યના આવિષ્કારનું પ્રમાણ મળે છે. ભારતમાં નૃત્યના પ્રવેશનુ ચોક્કસ કોઈ પ્રમાણ નથી પરંતુ જુદા જુદા શાસ્ત્રીય પુરાવાઓના આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે નૃત્ય એક અતિ પ્રાચિન કલાના રૂપમાં સેંકડો વર્ષોથી પ્રસિદ્ધ છે.


કહેવાય છે કે, ભારતમાં આર્યો, કાસ્પિયન સાગરથી પ્રવેશ્યા. જો કે, ઈતિહાસકારો અને પુરાતત્વવિદોનો આ અંગે મત મતાંતર છે. ઈસવીસન પૂર્વે ૩૦૦૦ વર્ષો પહેલાં સિંધુ નદીના કિનારે વસેલી હરપ્પા અને મહોન-જો-દરો સંસ્કૃતિમાં નૃત્ય અને ગીતના સચોટ પુરાવા જોવા મળ્યા છે. મહોન-જો-દરોમાં ઉત્ખનન દરમિયાન મળેલા ક્ષતિગ્રસ્ત સ્તુપોમાંથી એક વાંસળી મળી હતી જેમાં સાત છિદ્ર હતા. આ ઉપરાંત ઉત્ખનન વેળા વીણા, ચામડાનું વાદ્ય, તાંબાની નૃત્ય કરતી મહિલા વગેરે પ્રાપ્ત થયા છે. ડૉ. લક્ષ્મણ સ્વરૂપ કહે છે કે, મહોન-જો-દરોમાંથી પ્રાપ્ત નૃત્યની મુદ્રા, ઢોલ વગાડતા નર, તથા હરપ્પાના ખોદકામ વેળા વાઘ સામે નગારું વગાડતા પુરુષની પ્રતિમા તત્કાલિન સમયમાં નૃત્યકલાની લોકપ્રિયતા પ્રતિપાદિત કરે છે.


હવે એથી પણ આગળ રોમાંચિત કરી દે એવા વેદકાલીન સમયમાં નૃત્ય કલા અંગેના ઉલ્લેખની વાત કરીએ. ઋગ્વેદ ભારતનો પ્રાચીન દસ્તાવેજ છે. વેદ શબ્દનો અર્થ જ જ્ઞાન થાય છે. હિન્દુ સમાજનો વિશ્વાસ છે કે, વેદનું નિર્માણ મનુષ્ય નહી સ્વયં પરમેશ્વરના મુખમાંથી નીકળેલી વાણીથી થયું છે. ઋકસંહિતાની રચનાનો કાળખંડ ઈસવીસન પૂર્વે ૨૦૦૦થી ૧૫૦૦ની વચ્ચેનો હોવાનું અનુમાન છે. વૈદિક યુગમાં નૃત્ય, ગીત, વાદ્યના વિકાસના પ્રમાણ મળે છે. ઋગ, યજુર્વ, સામ અને અથર્વ ચારેય વેદમાં ગીત-સંગીત અને નૃત્યનાં સુપેરે ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદની એક ઋચા છે, ‘હે નૃતવો નૃત્યંતઃ, હે રીકન બક્ષ્ય સઃ વોચમાનાક્ષરણં નૃતમાનો નૃત્વન્નમરતો મરણાધર્મા સત્વ બસમાનં’. જ્યારે સામવેદમાં ગાય ગીતિં કુરુ, તત્ર દૃષ્ટાંતઃ વંશમિવ યથા વંશાગ્ને નૃત્યંતઃ શિલ્પનઃ જેવા ઉલ્લેખો જોવા મળે છે. પ્રોફેસર શિલમાલેના મત અનુસાર વૈદિક યુગમાં સંગીતકલા પૂર્ણરૂપથી વિકસી હતી. ઋગ્વેદમાં યુવતીઓ અલંકારો પહેરીને નૃત્ય કરીને પ્રિયજનને આકર્ષિત કરતી હોવાનું પ્રમાણ જોવા મળે છે.


વૈદિક કાળખંડ બાદ આદિકવી વાલ્મિકી રચિત મહાકાવ્ય રામાયણમાં સંગીત-નૃત્યકલાના ઉલ્લેખો જોવા મળે છે. ૨૪૦૦૦ શ્લોક અને સાત ખંડમાં વિસ્તરેલા આ મહાકાવ્યમાં સિયાવર રામચંદ્રજીના રાજ્યાભિષેક વેળા કરેલા વર્ણનમાં નટ, નર્તક, ગાયકો અને ગીતો સાથે મનભાવન કાવ્ય સર્જનની વાત છે. ત્યારબાદ ૯૦,૦૦૦ શ્લોક અને ૧૮ સર્ગમાં પથરાયેલા મહાભારતમાં આચાર્ય વેદવ્યાસજીએ પણ નૃત્યકલાનું વર્ણન કરેલું છે. આ કથા યુગપુરુષ શ્રીકૃષ્ણની છે. એમનો શૈષવકાળ, કિશોરાવસ્થા, યુવાનીના વિવિધ પ્રસંગોમાં નૃત્ય, ગીત સંગીતના પાસા ઉઘડતા જોવા મળ્યા છે. આ ઉપરાંત અર્જુને અમરાવતીમાં વિતાવેલા પાંચ વર્ષો દરમિયાન ગાંધર્વો પાસેથી નૃત્ય ગીત-સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાનું વર્ણન પણ જોવા મળે છે.

ઈસવીસન પૂર્વે ૬૦ થી ૩૦૦ સુધીનો કાળખંડ બૌદ્ધ સંસ્કૃતિનો યુગ તરીકે ઓળખાય છે. એ સમયગાળામાં થયેલા આચાર્ય વિષ્ણુ ગુપ્ત ચાણક્યએ આપેલા કૌટિલ્ય નામના વિરાટ ગ્રંથ અર્થશાસ્ત્રમાં નૃત્ય, ગીત-સંગીતના પ્રસ્તુતકર્તાને આપવાના પુરસ્કાર અંગેનો ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત ગુપ્તવંશના રાજાઓની કવિસભામાં હરિસેન અને વીરસેનના નામથી સૌ કોઈ પરિચિત છે. વિક્રમાદિત્ય ચંદ્રગુપ્તના દરબારના નવરત્નોમાં કાલિદાસનુ નામ પ્રચલીત છે. ઋતુસંહાર અને મેઘદૂત મહાકાવ્ય અને પ્રાચિન રઘુવંશ અને કુમાર સંભવ કાલિદાસની અમર રચનાઓ છે. એમના આ સર્જનમાં નૃત્ય, ગીત, સંગીતના ઘણા ઉલ્લેખો છે. હરિવંશકાર ગંધર્વ અર્થમાં, સ્કંધ પુરાણમાં, બ્રહ્મપુરાણમાં નૃત્યકલાના સંદર્ભો સાંપડે છે.


આદિ-અનાદિકાળથી નૃત્ય, ગીત અને સંગીતનો માનવ સભ્યતા ઉપર પ્રભાવ જોવા મળે છે. ત્યાર બાદ જળમાર્ગે આવેલા વાસ્કો-ડી-ગામાના ભારતવર્ષમાં પ્રવેશ બાદ પાશ્ચાત્ય દેશો સાથે ભારતના વેપાર વણજ વિકસયા પરંતુ બીજી બાજુ અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયા બાદ એમણે ભારતીય નૃત્ય કલા અને સંગીતકલા ક્ષેત્રે ખૂબ ઉદાસીન વલણ દાખવ્યું. ભારતીય નૃત્ય કલાનો વર્ષ ૧૯૨૨માં પુન:ઉદય થયો. જાણીતા બેલે ડાન્સર અન્નાયાભલોભા ભારત આવ્યા. એ અજંટા-ઈલોરાની ગુફાઓના પ્રવાસે ગયા. ત્યાંના નૃત્ય આધારીત શીલ્પ સ્થાપત્યથી એ અત્યંત મંત્રમુગ્ધ બની ગયા. સુંદર કમનીય નૃત્ય અદાઓને નાટ્યરૂપ આપવા એ થનગની ઊઠ્યા. ઈંગ્લેન્ડ જઈને એમણે વિલિયમ રોઈનસ્ટાઈનને એક સહકલાકાર માટે અનુરોધ કર્યો. એ વખતે ઉદયશંકર રોયલ કૉલેજ ઑફ આર્ટસના વિદ્યાર્થી હતા. અન્નાયાભલોભાએ ઉદયશંકરને એમના ડાન્સ ગ્રુપમાં સામેલ થવા નિમંત્રણ આપ્યું. ઉદયશંકરે ભારતીય નૃત્ય શૈલીનો પ્રસાર કર્યો અને હિન્દુસ્તાની નૃત્યના પુનઃ ઉદયના શિલ્પી બન્યા. શાસ્ત્રો, ઇતિહાસ, પુરાણો અને સંસ્કૃતિ સાક્ષી છે કે સંગીત અને નૃત્ય એક કલા તો છે જ પરંતુ એથી પણ આગળ વધીને સંસ્કાર અને સાધનાનું પવિત્ર માધ્યમ છે.

 

 

ધબકાર : નૃત્ય હાથ પગના ઉલાળા માત્ર નહીં આત્માની આંતરિક ઊર્જાની અભિવ્યક્તિનુ માધ્યમ છે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/march2021/09032021-4.pdf

 

1 comment:

  1. Very nicely written. Thank you so much Pulak Bhai for this .

    ReplyDelete