પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 19 September 2021

જો દંભી વ્યક્તિ દુર્ગુણી છે તો એમાં ફસાવાવાળો મહામુર્ખ છે

 


પોતાની જાત સાથે મળવાનો ખોફ હોય પણ પરમેશ્વરની વાતો બેખોફ કરતાં હોય એવા લોકો જગતમાં બહુ જોવા મળે છે. દંભ અને કેફને સતત નજર અંદાઝ કરીને રોફ મારતાં લોકો પોતાની જાતને મળતાં હંમેશા ગભરાતા હોય છે. દંભ એક એવો દુર્ગુણ છે કે જેના પરિણામે બીજી નવી દિશાના દરવાજા બંધ થઈ જતાં હોય છે. જે ખરેખર નથી તે બતાવવા માટે મથતાં લોકો જુદા જુદા વિષયો ઉપર  થોડો ઘણો અભ્યાસ કરીને પોતાની નિર્થક ચટાકેદાર વાતોની જાળમાં બીજાને આસાનીથી ફસાવી શકે છે. પ્રબુદ્ધો અને બુદ્ધિશાળી લોકો દંભી વ્યક્તિઓની આ માયાજાળને સમજીને એમની વાતોને શાંતચિત્તે બાયપાસ કરી શકે છે. પાખંડી લોકો સાથેની નાની અમથી નાદાની બહુ મોટી હાની પહોંચાડી શકે છે.


નાની અમથી સફળતા મનમાં હવા ભરવા માટેનું કારણ બની જતી હોય છે. આવા સંજોગોમાં વ્યક્તિ પોતાનો અસલી ચહેરો હંમેશાં વિસરી જતો હોય છે. એક શાયરે સરસ વાત કરી છે કે ‘ના ઇતરાઓ ઈતના બુલંદીઓ કો છુ કર, વક્ત કે સિકંદર પહેલે ભી કંઈ હુએ હૈ, જહાં હોતે થે કભી શહેનશાહ કે મહલ, દેખે હૈ વહીં આજ ઉનકે મકબરે બને હુએ...’ મીણબત્તી અને અગરબત્તી બન્ને અગ્નિના દ્યોતક છે. પરંતુ બન્નેમાં તાત્વિક ભેદ એટલો જ છે કે, મીણબત્તીને એના ઉજાશનો દંભ અને ઘમંડ છે એટલે એ નાની સરખી પવનની લહેરથી પણ બુજાઈ જાય છે. જ્યારે અગરબત્તી શાનથી સુગંધ પ્રસરાવે જાય છે.

એક ભાઈની રસપ્રદ કહાની છે. આ ભાઈ ઉત્તમ કોટીના વાચક. એમણે દુનિયાભરના મહાન લેખકોના વિવિધ વિષયો પરના પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો હતો. આ ભાઈ પોતાની જાતને ખૂબ જ્ઞાની સમજે. બીજા બધાને એ તુચ્છ ગણે. એમના મનમાં સતત એવો કેફ રહેતો કે હું બધી જ બાબતો જાણું છું. એક વાર આ ભાઈ સમી સાંજે કુદરતી વાતાવરણમાં મોજ કરવા માટે નદી કિનારે ગયા. એમને નદીમાં સહેલ કરવાની ઇચ્છા થઈ. એમણે કિનારે ઊભેલી હોડીના નાવિકને  પૂછ્યું કે, ‘ભાઈ, તમે મને નદીની સહેલ કરાવી શકો ?’

નાવિકે કહ્યું ‘ચોક્કસ. એટલા માટે તો હું અહીં ઊભો છું સાહેબ ?’

આ ભાઈ તો નાવમાં બેસી ગયા. પાણીમાં થોડીક નાવ ચાલી એટલે આ ભાઈ નાવિકને પૂછ્યું, ‘તને વિજ્ઞાન વિશે ખ્યાલ છે ?

નાવિકે ભોળા ભાવે કહ્યું ‘ના સાહેબ મને બિલકુલ જ્ઞાન નથી.’

ભાઈએ કહ્યું, ‘ તો મિત્ર તે તારી અડધી જિંદગી ખરાબ કરી દીધી.’

વળી પાછું એમણે પૂછ્યું, ‘શું તને ભાષાનું જ્ઞાન છે ?’

નાવિકે ફરી ભોળા ભાવે કહ્યું, ‘ના સાહેબ.’

પેલા ભાઈએ પૂછ્યું ‘તને ઇતિહાસની ખબર છે ?’

નાવિકે કહ્યું ‘ના.’

પછી પેલા ભાઈએ નાવિકને કહ્યું, ‘ભાઇ, તારી તો આખી જિંદગી તે ખરાબ કરી નાખી.’ મનોમન આ ભાઈ વિચારવા લાગ્યાં કે આ નાવિક મહાસમુરખ છે. એણે એની આખી જિંદગી બગાડી નાખી.

એટલામાં નાવિકે પેલા સહેલાણીને પ્રશ્ન પૂછ્યો, ‘સાહેબ, તમને તરતાં આવડે છે ?’

પેલા વ્યક્તિએ સહજતાથી કહ્યું, ‘ના ભાઈ, મને તરતાં નથી આવડતું.’

નાવિકે જવાબ આપ્યો, ‘તો સાહેબ, તમારું ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ભાષા વગેરે બધું જ જ્ઞાન નકામું સાબિત થશે. થોડાક આગળ નદીમાં બહુ મોટું વમળ સર્જાતું દેખાય છે. નાવ પાછી પણ વળી નહીં શકે અને મારાથી નાવ સંભાળી પણ નહીં શકાય.’ આટલું બોલી નાવિક નાવ છોડીને નદીમાં કૂદી પડ્યો. તરીને કિનારે પહોંચીને વમળમાં ગોથા ખાતી નાવને એ જોઇ રહ્યો.

આ સમગ્ર કાલ્પનીક વાતનું મૂળ તાત્પર્ય એ છે કે, મોટા ભાગે જેને આપણે જ્ઞાન સમજીએ છીએ એ ખરેખર જ્ઞાન નથી જાણકારી છે. જાણકારી કે માહિતીનો દંભ કે ઘમંડ કેટલે અંશે વાજબી છે ? અડધાથી વધારે જિંદગી માહિતી મેળવવામાં અને અભ્યાસ કરવામાં વિતાવીએ અને જો વિનમ્રતા સાથે બીજાને વિગતો વહેંચીને એમનામાં સામર્થ્ય ઊભું કરવાની વાત મનમાં ન ઉગે તો એનો અર્થ જ શું ? આખી જિંદગી વાંચી વાંચીને શિખ્યા શું ? બીજાને નીચા પાડવાનું જ જો મહત્વ હોય તો એવા વાંચન અને અભ્યાસનો કોઈ અર્થ સરતો નથી. દંભનો સીધો સંબંધ લોભ, લાલચ અને સ્વાર્થ સાથે હોય છે. પાખંડ કરવાવાળો અને એ પાખંડમાં ફસાવવાવાળો બંને સરખે ભાગે ગુનેગાર છે. બન્ને લોભી અને લાલચી છે. જો દંભી વ્યક્તિ દુર્ગુણી છે તો એમાં ફસાવાવાળો મહામુર્ખ છે.

આજની પેઢીના પાખંડ આગલી પેઢી માટે પરંપરા બની જતો હોય છે. એક વાત તો સ્પષ્ટ છે કે દંભી વ્યક્તિ ક્યારેય માસૂમ નથી હોતો. અ‘ને જે વ્યક્તિ માસૂમ હોય છે તે ક્યારેય દંભ નથી કરી શકતો. જગતભરના મહાન વિચારકોના ઉત્તમ વિચારો જાણી લઈએ પણ જ્યાં સુધી આંતરિક દંભનો દૂર્ગુણ નિર્મૂળ ન થાય ત્યાં સુધી ‘અજ્ઞાની’નું ટેગ ખસશે નહીં. અસત્ય, દંભ અને પાખંડની સૌથી મોટી પાઠશાળા પોતાનું ઘર છે. જે ઘરમાં દંભ વગરનું નિર્મળ વાતાવરણ હશે ત્યાં સહજ રીતે જ્ઞાન અને આનંદનો મહાસાગર જોવા મળશે.

નાના મોટા સૌ કોઈને જીવનમાં એવા લોકોનો અનુભવ થયો જ હોય છે કે, જે મોઢા ઉપર સારું બોલે અને ગેરહાજરીમાં કદ પ્રમાણે વેતરી નાખે. પીઠ પાછળ બુરાઇ કરે. આવા લોકો બહુ ખતરનાક પ્રકૃતિના હોય છે. આવા દંભી લોકોથી હંમેશાં સજાગ રહેવાની જરૂર છે. જ્યારે પણ મોં પર સારું બોલનારા પાખંડી લોકોનો સામનો કરવાનો થાય ત્યારે આવા લોકોને મોઢામોઢ અપમાનિત કરી નીચે પાડવાની વ્યર્થ કોશિષ ક્યારેય ન કરવી. આ પ્રકારના લોકોથી પોતાનો માર્ગ અલગ કરી લેવામાં જ શાણપણ છે.

દંભી લોકોની નજીક જવામાં આખરે દર્દ તો આપણે જ સહન કરવું પડે. દંભી લોકો માટે જેવા સાથે તેવા થવાની ફિલોસોફી રાખવાથી શત્રુઓની સંખ્યામાં જાણે અજાણે ઈજાફો થવાનો છે. એટલે બને ત્યાં સુધી કોઈના દંભના દુર્ગુણને જવાબ આપીને આપણે આપણી સારાઈ શા માટે છોડવી જોઈએ ? આપણી સારાઈ આપણી સચ્ચાઈ છે. જ્યારે દંભીને જવાબ આપીએ ત્યારે આપણે પણ એ દંભી જેવા દુષ્ટ અને  દુરાચારી બની જઈએ છીએ. સર્વસ્વિકૃત એક નિયમ છે કે, કોઈનું ખરાબ બોલી એની નિંદા કોઈના મોઢે કરવી નહીં. જો કોઈ તમારા મોઢે બીજા કોઈનું ખરાબ બોલતા હોય તો એની વાતોમાં આવીને અનુભવ વિના એ વ્યક્તિ માટે ક્યારેય ખરાબ અભિપ્રાય ક્યારેય બાંધવો નહીં. દંભી લોકોના વર્તન અને વાણીમાં આસમાન જમીનનુ અંતર હોય છે.


ધબકાર : દંભી દુર્જનો સજ્જનો સાથે વેર બાંધવાનું કદાપી ચૂક્યા નથી અને ચૂકશે નહીં.




No comments:

Post a Comment