પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 20 January 2022

પોતાની નિષ્ફળતા અને બીજાની સફળતા એક સરખી કઠે છે

 

‘ચલો દિલ સે હોલે સે મુશ્કુરાતે હૈ

બિના માચીસ કે હી લોગો કો જલાતે હૈ...’

 

કેટલાક લોકો આગથી જેટલા નથી દાઝતા તેનાથી વધારે બીજાના વિકાસથી અને એના સફળ અંદાજથી બળીને ખાખ થઈ જતાં હોય છે. ધગધગતા કોલસા કરતાં પણ વધારે બીજાના ચહેરા પરની ખુશી જોઈને આવા લોકોની હથેળીમાં ફોલ્લા પડી જતાં હોય છે. કોઈપણ બુદ્ધિમાન વ્યક્તિ કોઈની સફળતાને કારણે બળવાની મુર્ખામીમાં ક્યારેય ફસાતો નથી. કેટલાક લોકો એવી કમાલ કરતાં હોય છે કે, સભા તો એમની હોય પણ એ સભામાં કેન્દ્ર સ્થાને એના મિત્રની સફળતાની ચર્ચા હોય. ક્યારેય એવી પરિસ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ કે, પોતાના દુખથી દુઃખી થવા કરતાં બીજાના સુખથી વધારે દુઃખી થઇ જવાય. બીજાના સુખથી દુઃખી ન થવા માટે માનસિક જાગૃતિ જોઈએ. કોઈનું સુખ ન જોઇ શકવાની વાત બહુ મોટી માનસિક બિમારી છે. એ તો નિર્વિવાદ છે કે, દુનિયામાં જે વ્યક્તિ નાકામિયાબ હોય એની સૌ મજાક ઉડાવે અને બીજી બાજુ જે વ્યક્તિ સફળ હોય, જે વ્યક્તિ સુખી હોય, જે વ્યક્તિ આગળ હોય એનાથી લોકોને બળતરા થતી હોય. જ્યારે તમે ફીકર કરો છો ત્યારે અંતઃકરણથી દુઃખી થઈ જાઓ છો. પણ જ્યારે તમે બેફિકર બનો છો ત્યારે બીજા લોકો ફીકરથી બળવા લાગે છે.

બે મિત્રોની વાત છે. બન્ને મિત્રોએ શહેરની પ્રતિષ્ઠિત આર્કિટેકચરલ સંસ્થામાં આર્કિટેક્ટ સ્નાતકનો અભ્યાસ કર્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યો. જોત જોતામાં ત્રણેક વર્ષમાં એક મિત્રની શહેરમાં બોલબાલા થવા લાગી. એનો વ્યવસાય કુદકે ને ભુસકે આગળ વધવા લાગ્યો. જ્યારે બીજો મિત્ર હજુ ત્યાંનો ત્યાં જ હતો. જે મિત્રનો વ્યવસાય આગળ ન વધી શક્યો એને સફળ થયેલા મિત્રથી બળતરા થવા લાગી. એ મનોમન વિચારવા લાગ્યો, મારા કરતાં એનું નસીબ વધારે સારું છે. વળી, એના પરિવારનો એને મજબૂત સપોર્ટ પણ છે. આ બાબત અર્થ વગરના બહાના શોધીને મનોમન દુઃખી થવાની વાતને નોતરવાની છે. હકીકતમાં તો નિષ્ફળ ગયેલા મિત્રએ સફળ થયેલા મિત્રની ક્વોલિટી ઉપર ધ્યાન આપવું જોઈતું હતું. પરંતુ તેણે પોતે નિષ્ફળ કેમ ગયો એ બાબતને પુરવાર કરવામાં સમય વ્યતિત કર્યો. જો એણે આગળ વધેલા મિત્રની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીને નિષ્ઠાપૂર્વક પોતાની મર્યાદાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હોત તો કદાચ એ પણ આગળ વધી શક્યો હોત.

થોમસ આલવા એડિસને ૯૯૯૯ વાર વીજળીના બલ્બની શોધ કરવા માટેના પ્રયાસોમાં પછડાટ ખાધી. એડિસન અનેક વાર નિષ્ફળ ગયા હતા. પરંતુ એમણે પ્રયાસ કરવાનો છોડી ન દીધો. એમણે એમ પણ ન વિચાર્યું કે મારું નસીબ નથી કે મારી ક્ષમતા નથી. વીજળીના બલ્બની શોધ અન્ય કોઈ ક્ષમતાવાળો વ્યક્તિ કરશે. એવી જ રીતે કોલોનિયલ સેન્ડર્સે કેએફટી કંપનીની સ્થાપના કરવા માટે ૧૦૦૯ પ્રયાસો કર્યા પછી એ સફળ ન થયો. નસીબને કે બીજા કોઈને દોષ દેવાને બદલે સેન્ડર્સે પ્રયાસો ચાલુ રાખ્યા અને ૬૦ વર્ષની ઉંમરે કેએફટી કંપનીની સ્થાપના કરી. કેએફટીની પ્રગતિના ઇતિહાસથી દુનિયા અજાણ નથી.

જ્યારે બે વ્યક્તિ એક સાથે એક સમયે કોઈ એક ક્ષેત્ર માટે પ્રયાસ કરે અને કોઈ એક આગળ વધે અને બીજો ત્યાંનો ત્યાં જ રહી જાય ત્યારે આગળ ન વધવાના કારણોની તપાસ કરવી પડે. કોઈ એવી વાત જરૂર છે કે, નિષ્ફળ ગયેલો વ્યક્તિ આગળ વધેલા વ્યક્તિની હરોળમાં નથી પહોંચી શક્યો. જીવન એક નૃત્ય જેવું છે. ખૂબ સમજી વિચારીને સ્ટેપના રીયાઝ કરીને નૃત્ય કરવામાં આવે તો એ એટલું આકર્ષક નથી લાગતું. પણ મનથી મસ્ત બનીને નૃત્ય કરવામાં આવે તો એ અવશ્ય આહલાદક બની જતું હોય છે. હા, એક વાત ચોક્કસ છે કે, નૃત્યનું જ્ઞાન હોવું જોઈએ. એની પાછળ ગોખણપટ્ટી ન હોવી જોઈએ. ઘણી વાર એવું બનતું હોય છે કે, મજાક મજાકમાં પોતે જ્યાં ઈન્ટરવ્યુ આપવા જતો હોય ત્યાં મિત્રને પણ જોડે લઈ જાય અને એ ઇન્ટરવ્યૂમાં સ્વયં નિષ્ફળ જાય અને એમને એમ આવેલા એના મિત્રની પસંદગી થઈ જાય. અહિં આ કાલ્પનિક ઉદાહરણમાં સમજવા જેવી વાત એ છે કે, જે મિત્ર જસ્ટ ફોર અ ફન ઈન્ટરવ્યૂ માટે ગયો હતો એના મન ઉપર કોઈ ભાર ન હતો. એ તો મનની મસ્તીથી ઈન્ટરવ્યૂ આપવા ગયો અને કદાચ એટલે જ એ પસંદ થયો. જ્યારે બીજો મિત્ર ખૂબ તૈયારી કરી માનસિક તણાવ સાથે ઈન્ટરવ્યૂમાં ગયો એટલે કદાચ એ ઇંટર્વ્યુમાં સારો દેખાવ ન કરી શક્યો. 

માનસિક બળતરા વ્યક્તિએ પોતે ઊભી કરેલી ગંદગી છે. જ્યારે આ ગંદગીની દૂર્ગંધ વ્યક્તિ સહન નથી કરી શકતો ત્યારે એ હાંફળો ફાંફળો બની જાય છે. ચિંતક જે. ક્રિશ્નમૂર્તિજીએ કહ્યું છે કે, માણસના હૃદયમાં પડેલી આકાંક્ષાઓ, તકલીફો, સવાલોને પૂર્ણ સ્વરૂપે બહાર આવવા દેવી જોઇએ. જેમ છોડ ઉપર એક કળી ખીલીને પુષ્પ બને છે અને પછી એ ખરી પડે છે. બરાબર એ જ રીતે મનમાં ઊઠેલા પ્રત્યેક સવાલને બરાબર વિકસવા દેવા પડે. ક્યારેય પ્રશ્નોને અન્યત્ર વાળવા કે દબાવવાનો પ્રયાસ ન કરવો. જે વ્યક્તિ માથું ઊંચું કરીને લડી શકતો નથી એ કાયરતાપૂર્ણ બળતરાના શસ્ત્રની સહાયતા લેતો હોય છે. જીવનમાં કદમ કદમ પર અને શ્વાસે શ્વાસે ઈર્ષા, દ્વેષ, વેરની બળતરા પેદા થવાની જ છે. પોતાના આંતરિક અભાવને અને પોતાની અણઆવડતને છૂપાવવા માટે વ્યક્તિ ઇર્ષાનો સહારો લેતો હોય છે. યોગ્ય સમજ વગર ખોટી દિશામાં દોડતા મનને કારણે જલનવૃત્તિનું ઝાડ ઘટાદાર વૃક્ષ બનતું હોય છે. બળતરા હંમેશા પોતાનાથી સબળા લોકો માટે જ થતી હોય છે. પોતાની અસફળતા અને બીજાની સફળતા હંમેશાં એક સરખી કઠતી જ હોય છે. ‘ભલા મેરી કમીજ સે ઉસકી કમીઝ જ્યાદા સફેદ ક્યું ?’ વાળી વિજ્ઞાપનની ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે.


ધબકાર : માણસ પોતાનું દુઃખ તો ગમે તે રીતે સહન કરી લે છે, પરંતુ બીજાનું સુખ ક્યારેય સહી નથી શકતો.





https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21sep/21092021-4.pdf

No comments:

Post a Comment