પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Thursday, 20 January 2022

જે વ્યક્તિ વેઠી શકે છે, એ જ વિકસી શકે છે

 

બે એક દસકા પૂર્વેની સત્ય ઘટનાની રસપ્રદ કહાની યાદ આવે છે. મહેસાણાના એક ગામમાંથી અમદાવાદ આવેલો નરેશ નામનો ફુટડો યુવાન પેથોલોજી લેબોરેટરીમાં બ્લડ સેમ્પલ લેવાનું કામ કરે. એક દિવસ સાંજે લેબોરેટરીમાં એનું રૂટીન કામ પૂરું કરીને નરેશ ઈંગ્લીશ સ્પીકિંગ કોર્સની એક પુસ્તિકા રસપૂર્વક વાંચતો હતો. એવામાં જ લેબના માલિક આવી ચડ્યા. ગુસ્સા પૂર્વક માલિક બોલ્યા, ‘આ શું વાંચે છે ? મુક, આ બધું સાઈડ ઉપર, તું કાંઈ થોડો ક્લાસ બ્લાસ ખોલવાનો છે ?’

શેઠની આ વર્તણૂંકથી નરેશના યુવાન માનસ ઉપર જબરજસ્ત ઊંડી અસર થઈ. એ દિવસે એનું હૃદય દ્રવી ઉઠ્યું. આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી. પણ યુવાન નરેશનું મન મજબૂત હતું. એના મગજમાં એના સ્વપ્નાઓ ચટ્ટાનની જેમ સ્થિર હતાં. એ જ દિવસે એણે નક્કી કરી લીધું કે, નજીકના ભવિષ્યમાં એ ક્લાસ ખોલશે. ક્લાસ પણ જેવા તેવા નહીં ‘વર્લ્ડ ક્લાસ’ શિક્ષણ આપી ગુજરાતના યુવાનોને તૈયાર કરશે. જો કે, બાળપણથી જ નરેશનું એક સપનું હતું કે, અંગ્રેજીના અભાવથી એણે જે તકલીફો સહેવી પડી એવી તકલીફોનો સામનો બીજા યુવાન મિત્રોને  ક્યારેય ન કરવો પડે. બે દશક પછી આજે તો વીઆઈપી ક્લાસનું નામ ગુજરાતમાં મોખરે છે. સૌ કોઈ વીઆઈપીને બડા આદરથી જૂએ છે. નરેશભાઈએ ત્રણ લાખ જેટલાં વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કર્યા છે.

નરેશભાઈ પ્રજાપતિએ તાજેતરમાં ‘દિવાસ્વપ્ન’ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મની પટકથા, સંવાદ, ગીત અને પરિકલ્પના સ્વયં નરેશભાઈની જ છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘દિવાસ્વપ્ન’ નરેશભાઈના જીવન અનુભવોનું ફિલ્મીકરણ છે. આગામી દિવાળીમાં આ ફિલ્મ ગુજરાતના થિયેટરોના સિલ્વર સ્ક્રીન ઉપર ધુમ મચાવવાની છે. આ ફિલ્મ જોનારને ગુજરાતના મુર્ધન્ય શિક્ષણવિદ અને મુછાળી માના હુલામણા નામથી સુખ્યાત ગિજુભાઈ બધેકાની સુપેરે યાદ આવી જાય. ફિલ્મનું પ્રેરણાસ્ત્રોત પણ ગિજુભાઈ બધેકા જ છે.

દિવાસ્વપ્ન ફિલ્મની વાત ફરી ક્યારેક માંડીશું પણ આજે તો વાત કરવી છે, નરેશભાઈની સ્વપ્નસિદ્ધિની. ગોજારીયા પાસેના ત્રણ ચાર હજાર વસતી ધરાવતા નાનકડા ગામ પઢારીયામાં ધુળાભાઈ પ્રજાપતિ અને કાશીબહેનને ત્યાં પુત્ર અવતર્યો. ધુળાભાઈ ખેતીકામ, કડિયાકામ અને ઈંટો પકવવાનું કામ કરતાં. ધુળાભાઈનો અભ્યાસ ખાસ હતો નહીં એટલે આવા ત્રણેક કામ કરી આજીવિકા રળી લેતા. એ ભણેલા ન હતાં પણ ગણેલા ખૂબ હતાં. એટલે જ કદાચ તેમણે નરેશને ભણાવવામાં કોઈ કસર બાકી રાખી નહતી. ગામના સંપન્ન લોકો પાસેથી ઉધાર પૈસા લઈને પણ ધુળાભાઈએ પોતાના દીકરા નરેશને ભણાવ્યો. ધુળાભાઈના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી નાજુક હતી કે, દર અઠવાડિયે ૨૫૦ થી ૫૦૦ ગ્રામ છૂટક તેલ ખરીદતાં.

દર વર્ષે પિતાજી સાથે નરેશનો આખો પરિવાર અમદાવાદ ઈંટો પકવવાના કામ માટે આવતો. બાળ નરેશ પણ એમની સાથે ઈંટો પકવવાના કામમાં જોડાતો. નરેશ પાંચ વર્ષનો થતાં ધુળાભાઈએ નરેશને પ્રાથમિક શિક્ષણ માટે મામાને ત્યાં ભણવા માટે મૂક્યો. ત્રીજા સુધી મામાના ઘરે રહીને અભ્યાસ કર્યો તે દરમિયાન નરેશમાં પડેલી  બૌધિક ક્ષમતાને શિક્ષકોએ પીછાણી લીધી હતી. ભાઈ નરેશ નવમા ધોરણમાં આવ્યો ત્યારે છેક તેમના ઘરે વીજળીનું કનેકશન આવ્યું. એ પહેલાં ફાનસના પ્રકાશમાં નરેશે એનો અભ્યાસ કર્યો. અભાવોમાં પણ બાળ નરેશના મનમાં કંઈક કરી છૂટવાની અજબની તમન્નાના સ્વપ્નાઓની શૃંખલા સતત અવિરત ચાલતી રહેતી.

શાળામાં ફી ભરવાના પૈસાના જ સાંસા હોય ત્યાં પર્સનલ ટ્યુશન કે ક્લાસમાં જવાનો વિચાર ક્યાંથી આવે ? આમ છતાં ધોરણ ૧૨માં નરેશે સારી એવી સફળતા પ્રાપ્ત કરી. એચએસસીની પરીક્ષા આપીને બીજા જ દિવસથી મહેસાણાની સરદાર ડેરીમાં નરેશે નોકરી શરૂ કરી અને આ નોકરી પણ રાતપાળીની. એમાં એનું કામ નીચે ઢોળાઈ ગયેલા દૂધને ફ્લોર ઉપરથી કાથીના કૂચડાથી સાફ કરવાનું હતું. એક દિવસ સુપરવાઈઝરને ખબર પડી કે આ છોકરો એચએસસી સાયન્સ ભણેલો છે. એટલે એમણે એની પીઠ ઉપર હાથ મૂકીને સમજાવ્યો કે, ‘બેટા, તું આટલું સરસ ભણ્યો છે તો આવું કામ કરવાને બદલે કોઈ સારી જગ્યાએ કામ શોધે તો સારું.’ નરેશના મનમાં સુપરવાઈઝરની આ ટકોર બરાબર બેસી ગઈ.

પછી નરેશ અમદાવાદ આવ્યો. રાણીપમાં એના મોટા બહેનને ત્યાં રોકાયો. ૧૦ બાય ૧૦ની નાનકડી રૂમમાં એના પરિવારના છ સભ્યો રહે. મકાન માલિકના પાંચ સભ્યો મળીને કુલ ૧૧ જણાં વચ્ચે એક ટોયલેટ હતું. અમદાવાદ આવીને એણે સોલા ઓવરબ્રિજ પાસે ચાની લારી શરૂ કરવા માટે એના જીજાજી સાથે પરામર્શ કર્યો. બધું સેટ થઈ ગયું અને ચાની લારી શરૂ કરવાનું નક્કી થયું. પરંતુ એવામાં નરેશના પિતરાઈ ભાઈએ આવીને કહ્યું કે, ‘નરેશ તારે પેથોલોજી લેબોરેટરીમાં નોકરી કરવી છે ? તું વિજ્ઞાનનો વિદ્યાર્થી છે તો તને એ ફાવશે.’ નરેશે મનમોન વિચાર્યું કે ચાની લારી કરતાં પેથોલોજી લેબોરેટરીમાં કામ કરવું સારું. બીજા દિવસે પેથોલોજી લેબોરેટરીમાં જઈને મહિના ૫૦૦ રૂપિયાના પગારથી બ્લડ સેમ્પલ લેવાની નોકરી એણે સ્વીકારી. પણ કુદરતને આ મંજૂર ન હોય તેમ નોકરીના ત્રણ ચાર દિવસ પછી એને ઝેરી મેલેરીયા થયો. નોકરી છોડીને નરેશને ગામડે જવું પડ્યું.

તબીયતમાં સુધારો થતાં ફરી પાછો નરેશ અમદાવાદ આવ્યો અને મનોમન એવું વિચાર્યું કે, લેબોરેટરીમાં ફરી જઈશ તો મને કદાચ નહીં રાખે. એટલે એણે માણેકચોકમાં ચાંદીનું નકશી કામ કરવાની નોકરી શરૂ કરી. થોડા દિવસ બાદ એ તેના લેબોરેટરીના માલિકને કર્ટસી માટે મળવા ગયો ત્યારે એમણે કહ્યું, ‘કેમ તું ફરી આવ્યો નહીં ? તારે નોકરી નથી કરવી ?’ નરેશ લેબોરેટરીના માલિકના આ સવાલથી ખૂશ થઈ ગયો. એણે મહિને ૧૧૦૦ રૂપિયાની નોકરી પેથોલોજી લેબોરેટરીમાં સ્વીકારી લીધી.

લેબોરેટરીની નોકરી દરમિયાન જ ભાઈ નરેશે ગુજરાતી ફિલ્મનું એક ટાઈટલ ગીત અને ત્રણ ગુજરાતી ગીતો લખ્યાં. એક દિવસ ઈંગ્લીશ સ્પીકિંગ કોર્સનું પેમ્ફલેટ એના હાથમાં આવી ગયું. એણે પેમ્ફલેટમાં દર્શાવેલી પ્રથમ આવનારા વિદ્યાર્થીને ૫૦ ટકા ફી માફીના ઇનામની વાત અસર કરી ગઈ. એ આ કોર્ષમાં જોડાયો. કોર્ષમાં જોડાતાં પ્રથમ થોડાં મહિના નરેશ બિલકુલ મૌન રહેતો. કારણ એ હતું કે, એની બોલીમાં આવતી મહેસાણાની લઢણથી એની બેચના બીજા વિદ્યાર્થીઓ એની મજાક ઉડાવતા. પરંતુ દ્રઢ મનોબળવાળા નરેશે બેચમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું અને ઈનામ પણ મેળવ્યું. કોર્ષમાં એક દિવસ એક ફેકલ્ટી ન આવતાં કોર્ષના સંચાલકે નરેશને બેચ હેન્ડલ કરવા જણાવ્યું. બેચના વિદ્યાર્થીઓ નરેશ ઉપર આફરીન થઈ ગયા. પછી નરેશની વીઆઈપી ઈંગ્લીશ સ્પીકીંગ ક્લાસની સફર જેટ સ્પીડે આગળ વધી. આમ તો વીઆઈપી એટલે ‘વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન’ થાય પણ નરેશભાઈએ એનો અર્થ કંઈક આવો કાઢ્યો, ‘વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેસ ફોર લર્નિંગ ઈંગ્લીશ.’ સમય જતાં આ ક્લાસ ઈન્સ્ટિટ્યૂટમાં પરિણમ્યો. માતા-પિતા અને સાસરી પક્ષની હૂંફથી નરેશભાઈએ એમના સ્વપ્નાને સાર્થક કરવાની દિશામાં ઝડપભેર પગરણ માંડ્યા.

હવે આ યુવાનના દિવાસ્વપ્ન સાર્થક થઈ રહ્યાં હતા. એમણે વર્ષ ૨૦૧૯માં કે.ડી. ફિલ્મસ પ્રા. લિ. નામે એક પ્રોડકશન હાઉસ શરૂ કર્યું. જે કંઈ પણ કમાણી થઈ એ તમામ કમાણી નરેશેભાઈએ તેમની પ્રથમ ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ના નિર્માણ કરવામાં રોકાણ કરવાનું મુનાસીબ સમજ્યું. આની પાછળનુ કારણ નરેશભાઈને અર્થ ઉપાર્જન કરતાં યુવાનોને કૌશલ્ય નિર્માણનું સ્વપ્ન સિદ્ધ કરવાનો નિર્ધાર હતો. આ ફિલ્મ તો દિવાળીમાં રીલીઝ થશે પરંતુ સ્ક્રીન પર આવતાં પહેલાં જ દિવાસ્વપ્નને ૪૧ જેટલાં નેશનલ-ઈન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યાં છે.

સ્વપ્ન ખૂલી આંખ અને બંધ આંખ એમ બે રીતે જોવાય. ખુલી આંખે જોવાયેલુ સ્વપ્ન એટલે દિવાસ્વપ્ન. દિવાસ્વપ્ન જોનાર વ્યક્તિ સ્વપ્નસિદ્ધિ પહેલાં ઊંઘી શકતો નથી. દિવા સ્વપ્નની સાચી મજા પણ એ જ છે. નરેશભાઈ પ્રજાપતિ ગિજુભાઈ બધેકાની જેમ પરંપરાગત શિક્ષણ કરતાં પ્રયોગાત્મક શિક્ષણને વિશેષ મહત્વ આપે છે. પ્રયોગ જ્યારે અનુભવની એરણ પર ઘડાઈને અમલમાં મૂકાય ત્યારે તે આશીર્વાદરૂપ બની જાય છે. અનુભવોની પાકટભૂમિમાં પાંગરેલા પ્રયોગ પુષ્પો ઉત્તમ પરિણામની ખાતરી આપવા પુરતા છે. સ્વયંનું મૂલ્યાંકન કરતાં વ્યક્તિ જ્યારે શીખી જાય ત્યારે પહાડ જેવા તમામ અંતરાયો તણખલા બની જતાં હોય છે. વ્યક્તિએ સમજવું પડે કે, સંસારની સૌથી મૂલ્યવાન વ્યક્તિ તે સ્વયં છે. જલન માતરીના શબ્દોમાં કહીએ તો, ‘રહસ્યોના પડદાં ઉપાડી તો જો, ખૂદા છે કે નહીં એક હાક મારી તો જો, પલાઠી વાળીને બેસી ના રહે તું મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો.’ નરેશભાઇની જેમ મુઠ્ઠી વાળીને રીતસર દોડવું પડે. કાલે કરશું, કાલે કરશું એવા અંદાજમાં આજે જોયેલા સ્વપ્ન પણ હાથથી સરી જાય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળની ચિંતામાં હંમેશાં વર્તમાનના સપના રોળાઈ જતાં હોય છે.


ધબકાર : જે વ્યક્તિ વેઠી શકે છે, એ જ વિકસી શકે છે.



https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21oct/05102021-4.pdf

No comments:

Post a Comment