સક્વોટલેન્ડના જાણીતા લેખક સેમ્યુઅલ સ્માઈલ્સ
એક અદભુત ચિંતક અને વિચારક હતા. એમણે ‘સેલ્ફ હેલ્પ’
નામના સરસ પુ્સ્તક દ્વારા વિકાસની સંભાવનાઓ ઉજાગર કરી છે. સ્માઈલ્સ
માનતા હતા કે, આગળ વધવા માટે નવા દ્રષ્ટિકોણ અને પરિવર્તનશીલ
વલણની જરૂરીયાત હોય છે. નવા નિયમો જૂના વિચારો સાથે જોડવાથી જ્યાં છીએ
ત્યાંથી ઉપર ક્યારેય ઊઠી ન શકાય.
કોઈપણ વિચાર પાછળ લગનપૂર્વકની સમર્પણભાવના
નિઃસંદેહપણે ઉત્તમ પરિણામ આપે છે. સમર્પિત થવું એટલે સંપૂર્ણ શ્રદ્ધા સાથે
કાર્યમાં જોડાવું. સમર્પણ ક્યારેય બાહ્ય અને ઉપલક ન હોઇ શકે. સમર્પણ તો આંતરિક દ્રઢતાનો વિષય છે. જ્યારે
સમર્પણની સમજ પાકી થાય ત્યારે અંતરમાં પડેલી સુરક્ષાની ખોખલી દિવાલો તૂટી જાય છે. કશુક સારું કરવું હોય તો કરોડોપતિ કે અબજોપતિ હોવું જરૂરી નથી. સારું કરવા માટે સમર્પિત થવાની જરૂર હોય છે એ વાત હરેકાલા હજબ્બાએ
દેશ અને દુનિયાને બતાવી આપી.
વર્ષ ૨૦૨૧માં ભારત સરકારે પદ્મ પુરસ્કારો આપ્યા
એની યાદીમાં કર્ણાટકના હરેકાલા હજબ્બા નામ સાંભળતા સૌ કોઈને નવાઈ લાગી હતી. હજબ્બા પદ્મશ્રી પુરસ્કારથી નવાજાયા ત્યારે એ ખુલ્લા પગે, સફેદ લુંગી જેવી પોતડી, સફેદ પહેરણ અને સફેદ ખેસમાં આવ્યા. કેટલો સાહજિક અને સમર્પિત વ્યક્તિ !
દુનિયા તમને કઈ નજરે જુએ છે કે પછી, દુનિયાને તમે કેવી નજરે જૂઓ છો એના કરતાં તમે
તમારી જાતને કઈ રીતે જૂઓ છો એ સૌથી
અગત્યની બાબત છે. જ્યાં
સુધી તમે તમારી માટે અગત્યની વ્યક્તિ છો અને જ્યાં સુધી તમે તમારી માટે અડગ, અટલ છો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને તમારા ઈરાદા, અરમાન, સપના અને આત્મવિશ્વાસને તોડી નહીં શકે. હજબ્બાએ આ કરી બતાવ્યું છે.
ભારતની ખુશકિસ્મતી છે કે,
શ્રી નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં દીર્ઘદ્રષ્ટા, વિચારવંત
અને પ્રેરણાદાયી રાજપુરુષ પ્રધાનમંત્રી મળ્યા છે. હજબ્બા
જેવા સાદા, સરળ અને કાર્યસમર્પિત વ્યક્તિને પદ્મ પુરસ્કાર
આપવાનો નિર્ણય શ્રી નરેન્દ્રભાઈ જેવા વિચક્ષણ રાજપુરષ જ લઈ શકે. વર્ષ ૨૦૨૧માં હરેકાલા સાથે સાતને પદ્મવિભૂષણ, દસને પદ્મભૂષણ, અને ૧૦૨ને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયા. એમાં ગુજરાના ૧૨ મુટ્ઠી ઊંચેરા ગુજરાતીઓ પદ્મ પુરસ્કારથી વિભૂષિત
કરવામાં આવ્યા છે.
આ બધા પદ્મ વિભૂષિત વ્યક્તિઓની વિશેષતા એ છે કે, એમણે એમના વિચારને સમર્પણ ભાવનાથી ઊછેર્યો અને એને અદભુત ઊંચાઈ આપી. હરેકાલા હજબ્બાનું જીવન અનુકરણીય છે. હજબ્બાનો
જન્મ કર્ણાટકના અંતરિયાળ ગામ ન્યુપાપડુમાં અત્યંત ગરીબ પરિવારમાં થયો છે. હરેકાલા છ વર્ષના થયા ત્યારે પરિવારની આર્થિક સંકડામણ દૂર કરવા માટે
તેમની માતા સાથે બીડી વાળવાનું કામ કરવા જતા. ઘરમાં
ખાવાના સાંસા અને દારૂણ ગરીબીના કારણે હજબ્બા શાળામાં જઈ ભણી શક્યા ન હતા.
શિક્ષણના અભાવને કારણે હરેકાલાએ જીવનમાં ઘણી
તકલીફોનો સામનો કરવો પડ્યો છે. અશિક્ષિત હોવા છતાં એમને શિક્ષણના
મહત્વનો બરાબર ખ્યાલ રહેતો. યુવાનીના ઊંબરે પગ મૂકતા વેંત હજબ્બાએ
સંતરા વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. ટોપલામાં સંતરા ભરી ચાલીને સંતારા
વેચવા એ જતા. રોજ ૧૫૦ રૂપિયા જેટલું એ કમાઇ લેતા. એક દિવસની વાત છે. કર્ણાટક ફરવા આવેલા વિદેશી સહેલાણીએ
હજબ્બાને સંતરાનો ભાવ પૂછ્યો. પરંતુ અંગ્રેજી ન જાણતા નિરક્ષર હજબ્બા
એમની વાત જ સમજી ન શક્યા.
આ ઘટનાએ હરેકાલાને હચમચાવી મૂક્યા. એ પોતાની જાતને અસહાય અને મજબૂર મહેસૂસ કરવા લાગ્યા. એ જ ક્ષણે આ અભણ ગામડાના યુવાને નિર્ણય લીધો કે એને અંગ્રેજી ન
આવડવાના કારણે જે તકલીફ પડી એ ગામના બીજા બાળકોને ન પડે એટલા માટે એક શાળા ખોલશે. વર્ષ ૧૯૯૯માં એક મસ્જિદમાં એમણે નાની અમથી શાળાની શરૂઆત કરી. શરૂ શરૂમાં બહુ ઓછા બાળકો ભણવા આવતા. સંતરા
વેચીને થોડા વધુ પૈસા એકઠા કરીને એમણે વર્ષ ૨૦૦૪માં શાળા માટે
જમીન ખરીદી. જો કે એ માત્ર જમીન જ ખરીદી શક્યા. શાળાનું મકાન બનાવવા જેટલા એમની પાસે પૈસા જ ન હતા. ઓળખીતા પાળખીતાની મદદ મેળવી એમણે એ જમીન ઉપર ‘દક્ષિણ
કન્નડ જિલ્લા પંચાયત ઉચ્ચ પ્રાથમિક શાળા’ શરૂ કરી. એ
સમયે ચાર શિક્ષકો બાળકોને ભણાવતા. સમય જતા સરકાર તરફથી હજબ્બાને સહાય મળી. પછી તો આ શાળા એક એકરની ભૂમિ ઉપર માધ્યમિક વિદ્યાલય બની. સમર્પણ ભાવનાથી હરેકાલા હજબ્બાએ એક અવિસ્મરણીય કાર્ય કરી બતાવ્યું.
કન્નડ અખબાર કન્નડ પ્રભાએ ‘પર્સન ઓફ યર’નો ખિતાબ હરેકાલને આપ્યો છે. સામાજિક કાર્યકર અને જાણીતા લેખક ઈસ્મથ પજીરે હજબ્બાના જીવન ઉપર ‘હરેકાલા હજબ્બા જીવન ચરિત્ર’ નામનું પુસ્તક પણ લખ્યું છે. મેંગ્લોર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં હજબ્બાના જીવન ઉપર એક ચેપ્ટર
સમાવિષ્ટ કરાયું છે. સીએનએન આઈબીએન અને રિલાયન્સ ફાઉન્ડેશને
હરેકાલાને ‘રીયલ હિરોઝ’ એવોર્ડથી
નવાજ્યા છે. જુદી જુદી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને વ્યક્તિઓએ
હરેકાલાની પ્રવૃત્તિની નવાજી છે. જો કે એનાથી હરેકાલાના જીવન અને કાર્યમાં કોઇ
અહંકારની ભાવના આજ સુધી નથી ઉભી થઇ એ નોંધ લેવા જેવી બાબત છે.
બીબીસીએ નવેમ્બર-૨૦૧૨માં
‘અભણ ફળ વિક્રેતાનું ભારતીય શિક્ષણનું શમણું’ શીર્ષક સાથે હરેકાલા ઉપર લેખ પ્રસિદ્ધ કર્યો હતો. હરેકાલા રેશનીંગની દુકાને સામાન લેવા લાઈનમાં ઊભા હતા ત્યારે એમનો
મોબાઈલ ફોન રણક્યો અને સામે છેડેથી અવાજ આવ્યો કે, ‘તમને
પદ્મશ્રી સન્માન મળ્યું છે.’ સંતરા વેચવાની ફેરી કરતા હરેકાલાની
કહાની દેશ-વિદેશના લોકોના હૃદયમાં વસી ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર હરેકાલાના જીવનની વાત તેજ રફતારથી વાયરલ થઈ રહી છે.
જેની પાસે રહેવા માટે ઢંગનું મકાન નથી, જેની પાસે સાજ સજાવટના પૈસા નથી પરંતુ પોતાના વિચારના સામર્થ્ય અને
સમર્પણભાવનાથી હરેકાલાએ પોતાના સપનાને સાકાર કર્યું છે. માર્ગમાં
ગમે એટલી મુશ્કેલીઓ આવી પણ અડગ રહી વિચારને સમર્પિત થઈને એમણે પોતાના લક્ષ્ય ભણી
આગળ વધવાનુ ચાલુ રાખ્યું, પાછળ વળીને ક્યારેય જોયું નથી.
ધબકાર : જીવન એવું જ હોય છે, જેવું વ્યક્તિ એને બનાવે છે.
https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21dec/14122021-4.pdf
No comments:
Post a Comment