થાય છે શાથી, મને એની બરાબર જાણ છે,
આપના દિલમાં, કહો
તો ક્યારથી ઘમસાણ છે?
- કિશોર જીકાદરા
આદિથી માંડીને અત્યાર સુધી અને આજથી
માંડીને અનંતકાળ સુધી જગત જો ટક્યું છે અને ટકશે તો એક માત્ર લાગણીઓના કારણે.
પ્રશ્ન એ થાય કે, લાગણી એટલે શું ? જેમાં આનંદ હોય એ લાગણી, ગ્લાની થાય દુઃખ થાય એ પણ લાગણી જ છે, વાત્સલ્ય, પ્રેમ, ઉષ્મા પણ લાગણી અને માન, સન્માન, અપમાન પણ લાગણી જ છે. ઊંચા પર્વત ઉપરથી
ખળખળ વહેતા ઝરણાની જેમ હૃદયમાંથી સતત
અવિરત વહેતું તત્ત્વ એટલે લાગણી. સાત્વિક લાગણીઓ હૃદયમાં પડેલા ઉઝરડા ઉપર મલય બની
શાતા આપે તો ક્યારેક કોઈ તામસિક લાગણીઓ ઉઝરડા પાડીને એની ઉપર મરચાની ભૂકી
ભભરાવવાનું કામ પણ કરે છે. લાગણીઓ બાગમાં ખિલેલા પુષ્પ પણ છે અને લાગણીઓ આગની
ભભકતી જ્વાળાઓ પણ છે.
લાગણીઓ છે તો સંબંધોનું વિશ્વ આબાદ છે.
લાગણી જીવન છે. લાગણીનું તત્ત્વ છે તો જગતનું સત્ય અને સત્વ સલામત છે. લાગણીઓનો
પ્રદેશ નિરાળો છે. એના ત્રણ મુખ્ય વિભાગો છે સકારાત્મક લાગણીનો ઉપવન જેવો પ્રદેશ,
વિઘટનકારી નકારાત્મક લાગણીઓનો જંગલ
જેવો પ્રદેશ અને તટસ્થ સ્થિર લાગણીઓનો રૂક્ષ પ્રદેશ. અમુક મનોચિકિત્સકોનું તાકરણ એવું પણ
રહ્યું છે કે,
લાગણીઓ સામાજિક ચેતનાનો પુંજ છે.
લાગણીઓ સામાજિક સાંસ્કૃતિક પરિભાષાને બૌદ્ધિક અને શારીરિક ચેતનાઓ વચ્ચે સંકલન
સાધવાનું મહાત્તવનું કાર્ય કરે છે.
બ્રાયન કેવેર્નો જગતનો જાણીતો ચિંતક
અને લેખક. તેમણે એમના એક મઝાના પુસ્તક ‘મોર સાર્સ સીડ્સ’માં સુંદર વાત કરી છે. એક ગામમાં બે
ભાઈઓનું મજીયારુ ખેતર હતું. ખેતરને બંને ભાઈઓ સાથે મળીને પ્રેમપૂર્વક ખેડે. મહેનત
કરીને ધાન પકવે. મોટો ભાઈ પરણેલો હતો. એને પત્ની અને બાળકો હતા. જ્યારે નાના ભાઈના
લગ્ન નહતા થયા. એ કુંવારો હતો. ખેતરમાં જે કંઈ પણ પાકે આ બંને ભાઈઓ દર વખતે અડધો
અડધો ભાગ કરીને લઈ લે.
એક દિવસ અપરણિત નાના ભાઈએ મનોમન
વિચાર્યું કે,
અમે બંને સરખે ભાગે પાક વહેંચી લઈએ એ
બરાબર ન કહેવાય. હું તો અપરણિત છું. મારી જરૂરિયાતો ઓછી છે. મોટાભાઈનો પરિવાર છે. એમની જરૂરિયાતો મારા કરતા વધુ છે.
એટલે મોટાભાઈને વધારે હિસ્સો મળવો જોઈએ. હંમેશા રાત્રે અંધારામાં પોતાના
હિસ્સામાંથી અનાજની એક ગુણ લઈને એ બંને મકાનો વચ્ચેથી નાની ખાલી જગામાંથી પસાર
થઈને મોટાભાઈના ઘરમાં મૂકી આવતો.
સામે પક્ષે મોટો ભાઈ મનોમન એમ વિચારતો
હતો કે પાકના ઉત્પાદનમાં બે સરખા હિસ્સા થાય એ બરાબર નથી. હું પરણેલો છું. આગામી
સમયમાં મને કંઈ થશે તો મારી પત્ની અને બાળકો મારી સંભાળ લેશે નાનકાની સંભાળ
લેવાવાળુ ખોણ છે ? એને
વધારે ભાગ મળવો જોઈએ. એટલે એ રાત્રે અંધારામાં પોતાના ઘરમાંથી અનાજની એક ગુણ ઉચકી
કુંવારા નાના ભાઈના ખળામાં મૂકી આવે.
વર્ષો સુધી આમ ચાલ્યા કર્યું. બંને
ભાઈઓને આશ્ચર્ય થાય કે અમે દર વખતે રાત્રે અંધારામાં એક ગુણ મૂકી આવીએ છીએ છતા
ગુણોની સંખ્યા સવારે એટલીને એટલી જ કેમ રહે છે ? એક દિવસ રાત્રે બંને ભાઈઓ ખભે ગુણ ઉચકેલી
હાલતામાં અંધારામાં અથડાઈ ગયા. બંનેને એક ક્ષણમાં વર્ષોની વિમાસણનો તોડ મળી ગયો.
બંનેએ અનાજની ગુણ જમીન ઉપર નાખી ભેટી પડ્યા. બંનેની આંખોમાંથી અશ્રૃધારા વહેવા
લાગી. હિલોળા લેતો લાગણીઓનો મહાસાગર અલૌકિક વાતાવરણ ફેલાવતો રહ્યો.
કહેવાય છે ને કે, સંબંધોમાં ક્યારેક અહમની જીત થતી હોય
છે, પણ
લાગણીઓનો તો હંમેશા વિજય જ થતો હોય છે. પ્રેમ અને લાગણીમાં પરફેક્શન કરતા
સચ્ચાઈનું વધારે મહત્ત્વ હોય છે. સાચી લાગણીઓ શબ્દોની મહેતાજ ક્યારેય નથી હોતી.
લાગણી તો અનુભૂતિનો વિસ્તાર છે. લાગણી, પ્રેમ અને હુંફ ત્યારે કરમાઈ જતી હોય છે જ્યારે પોતાની સમજેલી
વ્યક્તિ તરફથી હુફ અને સાથ નથી સાંપડતો. કોઈને રાત્રે ઊંઘ નથી આવતી જ્યારે અમુક
રાત્રે ઉંઘવા નથી માગતા લાગણી અને તિરસ્કાર વચ્ચે બસ આટલું જ અંતર સમજવાની જરૂર
છે.
ધબકાર : લાગણીઓ જિંદગીનો અનુપમ શણગાર છે.
https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21oct/12102021-4.pdf
No comments:
Post a Comment