ઘટનાને મૂલવવાનો દ્રષ્ટિકોણ વ્યક્તિની આંતરિક શક્તિનો આયનો છે. સામાન્ય રીતે વ્યક્તિ કોઈપણ પ્રસંગ બને ત્યારે પ્રસંગમાં વહીને એનો ભાગ બની જતો હોય છે અથવા એ પ્રસંગના સમયે બોલીને કે પછી વર્તન દ્વારા પ્રતિક્રિયા આપે છે. આ બન્ને પરિસ્થિતિઓ ઉપરાંત એક ત્રીજી અવસ્થા ઘટનામાંથી હકારાત્મક તર્ક નિકાળીને પ્રસંગનું મૂલ્યાંકન કરવાનો પણ છે.
એક આંતરરાષ્ટ્રીય કંપનીના અધિકારીઓ વચ્ચે બનેલી ઘટનાનો પ્રસંગ છે. રોજ સવારે કંપનીના ટીમ લીડર દ્વારા યોજાતી ટીમ મેમ્બર સાથેની રૂટિન મિટિંગમાં ટીમ લીડર અલ્પેશે એના ટીમ મેમ્બર રોનકને એક અગત્યનું ટાઈમ બાઉન્ડ ટાસ્ક સોંપ્યું. બીજા દિવસે સવારે ૧૧ વાગે ટીમ લીડર અલ્પેશ અને રોનકે કંપનીના પ્રેસ્ટિજિયસ ક્લાયંટ સામે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરવાનું હતું.
રોનક અને એના ત્રણ ટીમ મેમ્બર્સ પ્રેઝન્ટેશન તૈયાર કરવા બેસી ગયા. સાંજે પાંચેક વાગ્યાની આસપાસ પ્રેઝન્ટેશન લગભગ તૈયાર થઈ ગયું. રોનક પ્રેઝન્ટેશનને ફાઈનલ ટચ આપી રહ્યો હતો કે, અચાનક કોમ્પ્યુટરની સ્ક્રીન બ્લર થઈ ગઈ. વાયરસ એટેકના કારણે પ્રેઝન્ટેશન ક્રેશ થઈ ગયું હતું. ટીમ મેમ્બર્સની સાત આંઠ કલાકની મહેનત પાણીમાં જાય એવી સ્થિતિનુ નિર્માણ થઈ ગયું.
એવા સમયે સ્વાભાવિક રીતે જ રોનક અત્યંત ટેન્સ થઈ ગયો હતો. ત્યારે બાજુમાં બેઠેલા એક ટીમ મેમ્બર પલાશ એના પીસી ઉપર કાર્ટૂન ફિલ્મમાં મશગુલ હતો અને જોરથી હસતો હતો. રોનક એના ઉપર એકસાઈટ થઈ ગયો અને જોરથી બોલ્યો, ‘તારું મોઢું બંધ રાખ. કામની કોઈ ગંભીરતા જ નથી. કેવી બાળકબુદ્ધિ છે તારામાં...’ પલાશ ચૂપ થઈ ગયો. ફરી પાછા બધા વાયરસનું સોલ્યુશન શોધવા લાગ્યા. વાયરસનો તોડ મળી ગયો. પ્રેઝન્ટેશન પીસી ઉપર વ્યસ્થિત રીતે રજૂ થવા લાગ્યું.
બધાનો અને ખાસ કરીને રોનકનો જીવ હેઠો બેઠો. પ્રેઝન્ટેશનને ફાઈનલ ટચઅપ કરીને એણે ટીમલીડર અલ્પેશને ઈ-મેઈલ કરીને હાશકારો અનુભવ્યો. બીજા દિવસે પેલી પ્રેસ્ટિજિયસ કંપની પ્રેઝન્ટેશનથી અત્યંત રાજી થઈ. કંપનીને કરોડોનો નવો કોન્ટ્રાક્ટ મળ્યો. ટીમ લીડરે અને કંપનીના સીઈઓએ રોનક અને બીજા ટીમ મેમ્બર્સની પીઠ થાબડીને સ્પેશિયલ રિવોર્ડ એનાઉન્સ કર્યો અને સાંજે નાની એવી પાર્ટી રાખીને કેક કટીંગ કરી સેલિબ્રેશન કર્યું. આ સેલિબ્રેશન વેળા પલાશ પણ હાજર હતો કે, જે કટોકટી વેળા કાર્ટૂન જોતા હસ્યો હતો. રોનકે પલાસ પાસે જઈને કહ્યું, ‘દોસ્ત, મને માફ કરજે ગઈકાલે ટેન્શનમાં મેં તને ન કહેવાનું કહી દીધું. આઈ એમ રીયલી વેરી સોરી.’ ત્યારે પલાશે કહ્યું, ‘નો સોરી, બટ ઇટ્સ થેન્કસ’
રોનકને આશ્ચર્ય થયું થેન્કસ કેમ ? ત્યારે પલાશે સરસ વાત કરી કે, ‘તારા મનમાં ભરાયેલો કામ ન થવાના ગુસ્સાના અગ્નિને અને કામના દબાણને બહાર નીકળવાનો એક માર્ગ જોઈતો હતો તે મારા ઉપર ગુસ્સો કરીને મળી ગયો.’ એટલે એ ગુસ્સો વહી જવા માટે એ ઘટના આભારની અધિકારી છે. પલાશની વાતમાં દમ હતો. જ્યારે પણ વ્યક્તિ સામે કોઈ ઘટના બને ત્યારે એ ઘટનાને પોતાના મન ઉપર હાવી કરી દે છે. પલાશની જગાએ બીજો કોઈ હોત તો રોનકના શબ્દોને પકડી લઈને જીવનભર એની સાથે દુશ્મનાવટ રાખી હોત. જ્યારે પલાશે આ કટોકટી સમયની ઘટનાને ટર્નીંગ પોઈન્ટ જેવી ગણીને એનો સકારાત્મક અર્થ ઉજાગર કર્યો.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં નાનીમોટી ઘટના રોજેરોજ બનતી હોય છે. વ્યક્તિ આ ઘટનાને કેવી રીતે સમજે છે
અને પછી એની ઉપર કેવી પ્રતિક્રિયા આપે છે એની ઉપર આવનારા સમયની ખુશી અવલંબિત હોય
છે. સાનુકૂળ પ્રસંગો
કરતા પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યક્તિના વ્યક્તિત્વનું સાચુ માપ મળી જાય છે. વ્યક્તિ જીવનમાં ઘણીવાર અસફળતાનો સામનો
કરી શકે છે પરંતુ અસફળ પ્રસંગોમાંથી સકારાત્મક વિચાર હારને જીતમાં પરિવર્તિત કરી દે
છે. સમુદ્રના કિનારે
બેસીને લહેરો જોઈ રહેવાથી સમુદ્ર પાર ન કરી શકાય. એમાં ઝંપલાવવુ પડે, તરવું પડે. એમ પ્રતિકૂળ પ્રસંગોના સાગરમાં જ્યારે
કુદો અને એમાંથી સકારાત્મક વિચારના મોતી કાઢો ત્યારે ખરો આનંદ આવે.
સકારાત્મકતા કોઇ પણ નકારાત્મકતા કરતાં વધુ સારી છે. એક સકારાત્મક
વિચાર તમારી તમામ મુશ્કેલીઓ કદાચ દુર ન પણ કરી શકે પરંતુ અન્ય અનેકને એનાથી
પ્રેરણા જરૂર મળી શકે છે. આજનો નાનકડો એક સકારાત્મક ખ્યાલ આખો દિવસ તરોતાજા બનાવી દે
એવી ક્ષમતા ધરાવે છે. માણસ મનમાં સકારાત્મક અને નકારાત્મક અનેક ખ્યાલો પથરાયેલા
હોય છે, પરંતુ જો વ્યકતિ આ સકારાત્મક અને નકારાત્મક ખ્યાલોને સુપેરે જોડી શકે તો
એમાંથી ખુશીઓની ચિનગારી જોવા મળે.
ધબકાર : આપણા મનની નકારાત્મક લાગણીઓ આપણે જે અનુભવીએ તેના લીધે નહીં પરંતુ આપણે એ અનુભવની સાથે જોડેલી આપણી કહાનીને લીધે હોય છે.
https://gs.cdn.betanet.in/gnrsmc/epaper/2022/feb/22022022-4.pdf


No comments:
Post a Comment