પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Saturday, 2 April 2022

કોઈપણ શોધ મોટી સોચ વગર સંભવ નથી બનતી

 


ઝાડ ઉપરથી એક સફરજન પડ્યું અને એક ચિંતક યુવાને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત દુનિયાને આપ્યો. બાળપણમાં બધાએ વાંચેલી અને સાંભળેલી આ એક પ્રચિલત કહાની છે. વાર્તા અનુસાર આઇઝેક નામનો એક કિશોર સફરજનના ઝાડ નીચે બેઠો હતો અને ઝાડ ઉપરથી એક સફરજન તુટીને એના માથે પડ્યું. આઇસેકે મનોમન વિચાર્યું કે સફરજન ઝાડ ઉપરથી સીધું તૂટીને નીચે જ કેમ પડ્યું ? કેમ ઉપર ન ગયું ? આડુ કે અવળું કેમ ન ગયું ? અને જો દરેક વસ્તુ પૃથ્વી ઉપર જ પડે છે તો ચંદ્ર કેમ પૃથ્વી પર નથી પડતો ? જરૂર પૃથ્વીની ધરતી ઉપર કોઈ એવો ફોર્સ કામ કરે છે કે, જે દરેક વસ્તુને તેની તરફ ખેંચે છે. બસ આ ઘટનાએ લૉ ઑફ ગ્રેવીટેશન દુનિયાને આપ્યો. આ ખ્યાલ આપ્યો આઈસેક ન્યુટને.

હવે મૂળ વાત એ છે કે, શું આ સફરજન ન્યુટનના માથે પડવાની કહાની સાચી છે ? ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આ ઘટનાથી અસ્તિત્વમાં આવ્યો ? આ તર્ક પાછળ ઘણા ભિન્ન ભિન્ન ખ્યાલો છે. કેટલાક પ્રબુદ્ધોના મતે આ વાર્તા સંશોધન બાદ પાછળથી ઉપજાવી કાઢવામાં આવી છે. કહેવાય છે કે, આ વાતને વાયરલ કરવામાં ફ્રાન્સનાં ચિંતક અને લેખક વોલ્ડરનો મોટો હાથ છે. કેટલાક ચિંતકોના મતે સફરજન પડવાવાળી વાત સો આની સાચી છે. પરંતુ તેમનુ મંતવ્ય છે કે, સફરજન ન્યુટનના માથે નહીં બલ્કે તેની આગળ એમના ખોળામાં પડ્યું હતું. વળી કેટલાક એવું કહે છે કે, જ્યારે આ સફરજન પડ્યું ત્યારે ન્યુટન ઝાડ નીચે ન હતા એમના ઘરની બારીમાં ઊભા હતા ત્યારે સફરજન પડવાની ઘટના સર્જાઈ એ  એમણે જોઈ અને ગુરુત્વાકર્ષણનું ચિંતન શરૂ થયું. આ વાર્તા સત્ય હોવાના પણ કેટલાક સોલિડ પ્રમાણો જોવા મળે છે.

ન્યુટનના સમકાલીન એક વૈજ્ઞાનિક અને લેખક વિલિયમ્સ ટ્યુકલી હતા. વિલિયમ્સ ટ્યુકલી ન્યુટનના ખાસ મિત્ર પણ હતાં. ન્યુટને પોતે ટ્યુકલીને આ વાત કરી હતી એમ લોકો માને છે. ટ્યુકલીએ ન્યુટનની જિંદગીના ઉતાર ચડાવને વર્ણવતું સૌથી પહેલા મેમર્સ ઑફ સર આઈસેક ન્યુટન્સ લાઈફપુસ્તક પ્રસિધ્ધ કર્યું. ટ્યુકલીના ન્યુટન ઉપરના આ પુસ્તક મેમર્સ ઑફ સર આઈસેક ન્યુટન્સ લાઈફલોકોએ ખૂબ વાંચ્યું. વિલિયમ્સે એના પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકની હસ્તપ્રત બ્રિટનની રોયલ સોસાયટી પાસે આજે પણ અકબંધ છે. જો કે, રોયલ સોસાયટીના ચીફ લાઈબ્રેરીયનના મતે ન્યુટનના માથા ઉપર સફરજન પડવાની ઘટના માત્ર વાર્તા જ લાગે છે. જન સામાન્યને વ્યસ્થિત રીતે ગુરુત્વાકર્ષણના સિધ્ધાંતની સમજ પડે એટલે ન્યુટને ગુરુત્વાકર્ષણના નિયમની રચના પછી આ વાત ઘડી કાઠી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે, એપલ કંપનીના અત્યારના પ્રચલીત બાઈટ કરેલા સફરજનના લોગો પહેલાનાં લોગોમાં સફરજનના ઝાડ નીચે બેઠેલા ન્યુટનનો લોગો રાખવામાં આવ્યો હતો.

સને ૧૬૬૫માં ઈંગ્લેન્ડના કેમ્બ્રીજમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. એ વખતે ન્યુટન કેમ્બ્રીજની ટ્વીનીટી કૉલેજમાં અભ્યાસ કરતા હતા. પ્લેગને કારણે કૉલેજ બંધ કરી તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા હતા. ન્યુટન પણ કૉલેજથી ઘરે ગયા. આ સમય એમના જીવનનો સૌથી મોટો ટર્નીંગ પોઈન્ટ પૂરવાર થયો. એમણે આ સમય દરમિયાન કેલ્ક્યુલસનો આવિષ્કાર કર્યો. ન્યુટને તેમના સંશોધનો ઘણા વર્ષો સુધી પોતાની પાસે સાચવી રાખ્યા હતાં. એમણે એમની શોધ જાહેર કરી નહતી. એમને છૂપો ડર હતો કે કદાચ લોકો તેમના સંશોધનોને સમજી નહીં શકે અને સાચું નહીં માને.

આમ તો ન્યુટનનું શાળા જીવન અત્યંત સામાન્ય રહ્યું હતું. શાળામાં એમની જનરલ ઈમ્પ્રેશન ઠોઠ વિદ્યાર્થીની હતી. સાથી વિદ્યાર્થીમિત્રોની મજાકનો ભોગ ન્યુટનને હંમેશા બનવું પડતું. પ્રિમેચ્યોર ડિલીવરીને કારણે જન્મ સમયે ન્યુટનનું વજન બહું ઓછું હતું અને શરીરનો આકાર બેડોળ હતો. ન્યુટનના જન્મના ત્રણ મહિના પહેલા એમના પિતાનું અવસાન થઈ જતા તેમને પિતાનો પ્રેમ ન સાંપડી શક્યો. એટલે જ કદાચ બાળપણથી ન્યુટન ગુસ્સેલ અને ઓછા બોલા હતાં.માતા ઇચ્છતી હતી કે ન્યુટન ખેતીનું કામ કરે પણ ન્યુટનને ખેતીમાં બિલકુલ રસ જ ન પડ્યો અને અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ન્યુટનનું અત્યંત ધર્મપરાયણ વ્યક્તિત્વ હતું. એમનું પ્રિય પુસ્તક બાઈબલ હતું. એ હંમશા બાઈબલ રસપૂર્વક વાંચતા. એ પણ એટલું જ સાચું છે કે, ન્યુટને વૈજ્ઞાનિક શોધ ઉપર જેટલું લખ્યું છે એના કરતાં વધારે ધર્મ અને પરમાત્મા ઉપર વધુ લખ્યું છે. બાઈબલ સમજવા એમણે હિબ્રુ ભાષા શીખી હતી. એ કહેતા કે પ્રભુ ઈસુને ૩ એપ્રિલ ૩૩ AD ના રોજ શુળી ઉપર ચડાવાયા હતા. ન્યુટનના ધાર્મિક તારતમ્ય અનુસાર ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ગ્રહોની ગતિનો ખ્યાલ ચોક્કસ આપે છે પરંતુ એ સુનિશ્ચિત નથી કરી શકતી કે ગ્રહોની ગતિનું નિયંત્રણ કઈ શક્તિ કરી રહી છે ? પરમાત્મા જ આ બધી બાબતોને નિયંત્રિત કરી રહ્યાં છે. પરમાત્મા જાણે છે કે આ શું છે અને શું કરી શકાય એમ એમણે નોંધ્યું છે. જે ઝાડ ઉપરથી પડતા સફરજનને જોઈને ન્યુટને લૉ ઑફ ગ્રેવિટેશન આપ્યો એ સફરજનના ઝાડનું વંશજ આજે પણ બ્રિટનમાં છે. સને ૧૮૧૫થી ૧૮૨૦ વચ્ચે ઓરિજનલ ઝાડ નષ્ટ પામ્યું હતું. આ ઝાડનો એક નાનકડો ટૂકડો સ્પેસમાં મોકલવામાં આવ્યો છે. ઝાડ ઉપરથી પડતા સફરજનની કહાનીના જુદા જુદા અનેક પાસાઓ છે પરંતુ એક વાત ચોક્કસ છે ગુરુત્વાકર્ષણ અને સફરજનનો અતુટ નાતો જગતમાં પ્રસ્થાપિત થઈ ગયો છે.

જીવનભર અવિવાહિત રહેલા સર આઈસેક ન્યુટનના વિચારોના દમખમ ઉપર એવા અનેક અદભુત વૈજ્ઞાનિક સિદ્ધાંતો જગતને મળ્યા કે જેના વગર વિશ્વની આટલી પ્રગતિ સ્વપ્ને પણ વિચારી ન શકાય. એમના લૉ ઑફ મોશનનો ફિઝિક્સમાં જબરો ઉપયોગ થયો છે. સાઈકલથી માંડીને રોકેટ સુધી આ સિદ્ધાંત ઉપર ઘણું ખેડાણ થયું છે. બાળપણથી ન્યુટનને મોટી વૈચારિક ભૂમિકામાં રાચવું ગમતું. નાનપણમાં એ આકાશ સામે તાકી રહેતા અને બા-દાદાને ચાંદ તારાને લગતા પ્રશ્નો પૂછતા રહેતા. બિચારા બા-દાદા બાળ ન્યુટનના સવાલોના જવાબો ન આપી શકતા. ન્યુટનની સફરજનની કહાની ઉપરથી એટલું તો સ્પષ્ટ છે કે કોઈપણ શોધ મોટી સોચ વગર શક્ય નથી.


ધબકાર
: એક હજારવાર અસફળતા પછી પણ એક વધુ વખત પ્રયાસનો દ્વાર ખૂલ્લો જ હોય છે.

No comments:

Post a Comment